21 March 2019

નવસારીમાં મેક ઇન ઇન્ડિયા પીચકારીનો ક્રેઝ, ચાઇનીઝ કરતાં બમણું વેચાણ


હોળી પર્વ નિમિત્તે નવસારી શહેરમાં મોડી સાંજે પીચકારીઓની ખરીદી નીકળતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. ગત વર્ષે અંદાજિત 7 લાખનું ટર્નઓવર થયું હતું. જેમાં ચાઈનીઝ પીચકારીનું પ્રમાણ વધુ હતું પરંતુ આ વખતે મેક ઈન ઈન્ડિયાની પીચકારીની બોલબાલા રહી છે.

નવસારીમાં હોળી પર્વની ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાના ભૂલકાઓ દ્વારા દર વરસે પીચકારી ખરીદવામાં આવે છે. આ વરસે પણ બજારમાં નીતનવી આકર્ષક ડીઝાઇન કાર્ટુન ના પાત્રોવાળી પીચકારીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં દરેક ક્ષેત્રમાં ચાઇનીઝ વસ્તુએ પગપેસારો કર્યો છે. હોળીના પર્વમાં પણ હવે ચાઇનીઝ પીચકારીઓનું વેચાણ નવસારીમાં વધું હતું. નવસારી શહેરમાં જથ્થાબંધ વેપાર કરતા ચાર મોટા વેપારીઓ દ્વારા હોલસેલમાં હોળી પર્વે 4થી 5 લાખની પીચકારીઓનું વેચાણ થયું છે.

નવસારી જિલ્લામાં અંદાજે 10 લાખથી વધુનું વેચાણ થયાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ચાઇનીઝ પીચકારી પણ મળી રહી છે પરંતુ ચાલુ વર્ષે રાજકીય ઉથલપાથલ અને આતંકવાદી હુમલામાં મસુદને વીટો વાપરી બચાવી લેવાના કારણે ચીન પ્રત્યે લોકોમાં નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે. તેની અસર નવસારીના ચાઈનીઝ પીચકારીઓ ઉપર પણ જોવા મળી છે. હાલ આ ચાઈનીઝ સામગ્રીની માગ ઘટીને 40 ટકા જેટલી થઈ ગઈ છે એટલે આ વખતે લોકોએ ચાઈનીઝ વસ્તુને જાકારો આપી મેક ઈન ઈન્ડિયાને પ્રાધાન્ય આપ્યું હોવાનું હોળી માર્કેટને જોતા સ્પષ્ટ થયું છે.

ટેંકવાળી પીચકારીની માગ વધુ છે
નવસારીમાં દિલ્હીથી ટેંકવાળી મેક ઇન ઇન્ડિયાવાળી નવી પીચકારી આવી છે, જેની માંગ વધુ છે. 3થી 5 લિટર સુધી પાણીની ટેંકવાળી પીચકારીઓ વેચાઈ રહી છે. રૂ. 120થી 400 સુધીમાં આ પીચકારી મળી રહી છે. ચાઇનીઝ પિચકારીઓમાં પિસ્તોલવાળી પીચકારીનું માર્કેટ ડાઉન છે. -રોનક શાહ, વેપારી, નવસારી

સ્વદેશી વસ્તુ અપનાવવી જોઈએ
આપણે સ્વદેશી વસ્તુ અપનાવવી જ જોઈએ. આજના યુવાનોએ ચાઇનીઝ વસ્તુ ખરીદીને દેશને આર્થિક રીતે નુકસાન કરતા હોય છે. જેથી મોબાઈલ કે પછી કોઈપણ ચીજવસ્તુ ખરીદવી ન જોઈએ. -કિશોરભાઈ નાયક, નવસારી

ચીનની વસ્તુ ખરીદવી ન જોઈએ
જ્યારે પણ દેશમાં આતંકવાદી ઘટના થાય છે ત્યારે પાકિસ્તાનને ચીનનું આડકતરું સમર્થન હોય છે. હાલમાં આતંકીને સમર્થન આપનારા ચીનની વસ્તુ આપણે ખરીદવી ન જોઈએ. જેનો સખ્ત વિરોધ છે. -હરીશ ખત્રી, નવસારી

મેક ઈન ઈન્ડિયાનો ક્રેઝ વધ્યો
શહેરમાં 3થી 4 પીચકારીના હોલસેલ વેપારીઓ છે. તેઓ અંદાજે 3 લાખનો મેક ઈન ઈન્ડિયાનો સ્ટોક દિલ્હીથી મંગાવ્યો છે. તેમાંથી 80 ટકા વેચાઈ ગયો હતો. જ્યારે ચાઈનીઝ પીચકારીનો પણ 1થી દોઢ લાખનો માલ મંગાવ્યો છે પરંતુ તેમાં સાંજ સુધીમાં 40 ટકા જ માલ વેચાયો છે.