29 March 2019

સરબતિયા લેકફ્રંટનું તળાવ લીલ અને કચરાથી લથપથ


નવસારીના તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા સરબતિયા લેકફ્રંટનું 'લેક' કચરો, લીલની ગંદકીભર્યુ જોવા મળી રહ્યું છે. નવસારી શહેરમાં ચાર લેકફ્રંટોનું આયોજન કરાયું છે, જેમાં દુધિયા તળાવ લેકફ્રંટ દોઢેક વર્ષથી બની ગયો છે અને મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત લુન્સીકૂઈ મેદાન નજીકના સરબતિયા તળાવ ફરતે પણ દોઢેક કરોડના અંદાજીત ખર્ચે લેકફ્રંટ બનાવવામાં આવ્યું છે, જે હાલમાં જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

જ્યાં દુધિયા તળાવ લેકફ્રંટનું લેક ચોખ્ખુ, સુંદર દેખાઈ રહ્યું છે તેવી હાલત શહેરના બીજા સરબતિયા લેકફ્રંટની હાલત નથી. સરબતિયા તળાવ ભૂતકાળમાં ગંદકીભર્યું હતું. જેને લઈને અવારનવાર બૂમરાણ મચતી હતી.

અહીં લેકફ્રંટ બનાવાતા તળાવ પાલિકા ચોખ્ખુ રાખશે એવી આશા હતી. થોડા દિવસો તો તળાવ ચોખ્ખુ રહેલું જોવા મળ્યું હતું પરંતુ હાલ પુન: તળાવ લીલ, કચરાથી લથપથ ગંદકીભર્યું જોવા મળી રહ્યું છે. ગંદકીભર્યા તળાવથી લેકફ્રંટની સુંદરતા ગાયબ થયેલી જોવા મળે છે. લીલ, પ્લાસ્ટીકની બોટલો, કાગળ, અન્ય કચરો લેકમાં જોવા મળે છે. હાલ ઉનાળો શરૂ થયો હોવાથી અહીં વધુ લોકો ફરવા આવે છે.

લોકાર્પણ પહેલાં ચોખ્ખું કરાયું પણ
નવસારીમાં સરબતિયા લેકફ્રંટનું લોકાર્પણ ચૂંટણી આચારસંહિતા 10મી માર્ચથી અમલી બની તેના આગલા જ દિવસ 9મી માર્ચે કરી દેવાયું હતું. આ લોકાર્પણને લઈને તેના આગળના દિવસે પાલિકાએ તળાવને ચોખ્ખુચણાંક, કચરામુક્ત કરવા સફાઈકર્મીઓની મોટી ટીમ ઉતારી હતી અને તળાવ ચોખ્ખુ પણ થયું હતું પરંતુ હવે આ લેકફ્રંટના 'લેક'માં પુન: ગંદકી નજરે પડવા લાગી છે.