6 March 2019

ભરબપોરે ભરચક વિસ્તારમાં બારીમાંથી ઘરમાં પ્રવેશી રૂપિયા 93 હજારની ચોરી


નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગત સોમવારે 5 સ્થળોએ ચોરીની ઘટના નોંધાઈ હતી. એક સપ્તાહ બાદ નવસારી શહેરમાં ગીચ વિસ્તાર એવા દરગાહનો વાડો, લંગરવાડની સામે રહેતા અને સલુન ચલાવતા મુસ્લિમ પરિવારને ત્યાં રૂ. 93 હજારની મત્તાની ચોરીનો બનાવ નોંધાયો હતો. જેમાં ચોર ઈસમોએ ગ્રીલની બારી પર ચડીને પ્રથમ માળે ખુલ્લી બારીમાંથી પ્રવેશ કરી ચોરીને અંજામ આપી ત્યાંથી જ ઉતરી ગયાની ઘટના નોંધાઈ હતી.

નવસારીના લંગરવાડ સામે દરગાહના વાડા વિસ્તારમાં રહેતા ઈરફાન ઈમ્તિયાઝ ખલીફા તીઘરા જકાતનાકા ખાતે હેર આર્ટ દુકાનમાં કામ કરે છે. ગતરોજ તેમના ભાણેજના લગ્ન હોય 10 વાગ્યાના સુમારે ખડસુપા ગામે ગયા હતા અને ત્યાંથી બપોરે 4.30 વાગ્યાના સુમારે આવ્યા હતા. તેઓએ ઘરનુ તાળુ ખોલી ઘરમાં જોયું તો લાકડાના કબાટમાં ચાવી રહી ગઈ હોય અને બેગમાં મુકેલા સોનાના દાગીના જોવા મળ્યા ન હતા. ઘરમાં તપાસ કરી તો મકાનના માળ ઉપર આવેલી બારી ખુલ્લી હોય અજાણ્યા ચોર ઈસમ મકાનમાં પ્રવેશી તેમના કબાટમાં મુકેલી બેગમાંથી સોનાની 14 નંગ વીટી, સોનાની 4 લેડીઝ વીટી, 3 સોનાની ચેઈન, કાનમાં પહેરવાની સોનાની એક જોડી ડુલ, નાકમાં પહેરવાની જડ, બે જોડી સોનાની એરિંગ, સોનાનું બ્રેસલેટ કુલ કિંમત રૂ. 80 તથા રોકડા રૂ. 13 હજાર મળી કુલ રૂ. 93 હજારની મત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી.

કપડા સૂકવવા બારી ખુલ્લી રહી ગઇ હતી
ચોરીની ઘટનામાં ભરચક વિસ્તાર હોવા છતાં ચોરોએ દિનદહાડે ઘરની બાજુની આવેલી ગલીમાંથી ગ્રીલવાળી બારી ઉપર ચડીને કપડા સુકવવા માટે બારી ખુલ્લી રાખી હતી, તેમાંથી પ્રવેશ કરીને સોનાના દાગીના-રોકડની ચોરી કરી હતી.