7 March 2019

બાગમાં જર્જરિત અજગર નવો ન બનાવાતાં તર્કવિતર્ક


નવસારીમાં ‘અજગરવાળા બાગ’ તરીકે પ્રખ્યાત ચાંદનીચોક વિસ્તારના બાળ ક્રિડાંગણનું રૂ. 46 લાખથી વધારેના ખર્ચે નવિનીકરણ થઈ રહ્યું છે ત્યાં અનેક જગ્યાએથી તૂટી ગયેલા અજગરને સંપૂર્ણ નવો ન બનાવવાનો આશ્ચર્યજનક નિર્ણય લેતા વિવાદ સર્જાયો છે.

નવસારી શહેરમાં ચાંદની ચોક વિસ્તાર નજીક બાળ ક્રિડાંગણ ગાર્ડન છે.આ ગાર્ડનનું મુખ્ય આકર્ષણ અજગરની પ્રતિકૃતિવાળી લપસણી છે જેથી બાગ ‘અજગરવાળા બાગ’ તરીકે પણ ઓળખાય છે. ઘણાં વરસો થયા હોય પાલિકાએ આ બાગનું નવિનીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને અંદાજે 46 લાખથી વધુના ખર્ચે નવિનીકરણનું કામ શરૂ પણ કરી દેવાયું છે.

જોકે બાદમાં ચોંકાવનારી માહિતી એ મળી કે લગભગ આખા બાગની કાયાપલટ કરાઈ રહી છે પરંતુ બાગની ઓળખ સમા ‘અજગર’ રાખવામાં તો આવશે પરંતુ સંપૂર્ણ નવો ન મુકાય! સ્થળ ઉપર બાગની સ્થિતિ જોતા અજગરની પ્રતિકૃતિમાં ઠેર ઠેરથી પ્લાસ્ટર ઉખડી ગયું છે, મસમોટા કાણા પડ્યા છે તો સળિયા પણ દેખાવા લાગ્યા છે.

પાલિકાના સૂત્રો એમ કહે છે કે મોટાભાગના અજગરનું રિનોવેશન કરાશે ! જોકે સંપૂર્ણ નવો ન મુક્યાનું જણાવે છે. અહીં પ્રશ્ન એ છે કે જ્યાં લાખોનો ખર્ચ કરાય છે ત્યાં સંપૂર્ણ અજગર નવો કેમ નહીં? જો જૂના અજગરની માત્ર મરામત જ કરાય અને દુર્ઘટના બને તો જવાબદાર કોણ?

સંપૂર્ણ નવો અજગર બનાવાય એવી રજૂઆત
હાલ તો સંપૂર્ણ અજગર નવો બનાવવાનું નક્કી કરાયું નથી. સંપૂર્ણ નવો જ અજગર બનાવાય એવી રજૂઆત મેં પાલિકામાં કરી છે. - શીલાબેન દેસાઈ, ચેરમેન, બાગ સમિતિ, નવસારી પાલિકા