10 March 2019

નવસારીમાં ગ્રીડ પ્રવેશદ્વાર પાસે વીજતારમાં ફોલ્ટ સર્જાઇ આગ ફાટી નીકળતાં 3 લારી ખાક


નવસારીના ગ્રીડ ખાતે આવેલા અહિંસા દ્વારની બાજુમાં આવેલી લારીઓમાં અચાનક આગ લાગી હતી. આગની લપેટમાં ત્રણ જેટલી લારીઓ આવી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. નવસારી નગરપાલિકાના ફાયરની ટીમે તાત્કાલિક આવી આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.

નવસારીના ગ્રીડ પ્રવેશદ્વાર પાસે શનિવારે બપોરે આશરે 3 વાગ્યાનાં સુમારે જીઇબીના વીજતારમાં ફોલ્ટ થવાને કારણે સ્પાર્ક થતા આગના તણખા નીચે ઉગેલા વૃક્ષમાં પડતા તે સળગી ગયા હતા અને આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. બહારની સાઈડે આવેલી 3 દુકાનોની પ્લાસ્ટિકની તાડપત્રી સળગવા લાગી હતી, જેથી દુકાન પાસે ઉભેલા લોકોએ તાત્કાલિક દુકાનોમાં ગોઠવેલા ટેબલો હટાવી લીધા હતા અને નવસારી ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરી હતી. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયરબ્રિગેડના બળવંતભાઈ પટેલ તથા સ્ટાફે 3 ફાયર ફાયટર સહિત ગ્રીડ ખાતે ધસી ગયા હતા. આગ પર પાણીનો મારો ચલાવી આગને ઠારી દીધી હતી. જ્યાં આગ લાગી હતી તેની બાજુમાં ડીજીવીસીએલ કચેરી આવેલી છે, જેથી આગ ઉપર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. આ આગ લાગવાથી આ માર્ગ અડધો કલાક વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડે આગ ઠારી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.