13 March 2019

દૂષિત પાણીની બોટલો લઈ દરગાહ રોડની સ્ત્રીઓનો પાલિકાએ હલ્લાબોલ


નવસારીના દરગાહરોડ વિસ્તારની મહિલાઓ મંગળવારે બપોર બાદ દુષિત, ડહોળુ પાણીની બોટલો લઈ પાલિકા કચેરીએ પહોંચી હતી ત્યાં પાલિકા દ્વારા અપાતું પાણી ગંધાતુ હોવાની બૂમરાણ મચાવી હતી.

નવસારીના દરગાહ રોડ તથા તેની નજીકના કેટલાક વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતું પાણી દુષિત અને ડહોળુ આવતું હોવાની ફરિયાદ ઘણાં સમયથી છે.

જોકે તેનો ઉકેલ પાલિકા લાવી શકી નથી. આજે મંગળવારે દરગાહ રોડ વિસ્તારમાં આવેલા તાડફળિયુ વિસ્તારની કેટલીક મહિલાઓ નવસારી પાલિકા કચેરીએ પહોંચી હતી. તેઓએ પાલિકા દ્વારા અપાતા દૂષિત પાણીની બોટલો ભરી લાવી બતાવી હતી. નવસારી પાલિકા કચેરીએ આવેલી મહિલાઓના જણાવ્યા મુજબ ઘણાં સમયથી તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતું પાણી દૂષિત આવે છે. છેલ્લા 10-15 દિવસથી તો ‌વધારે પ્રમાણમાં ગંધાતુ પાણી આ‌વે છે. કલાક -સવા કલાક પાલિકા પાણી આપે છે. તેમાં ઘણો સમય ખરાબ પાણી આવતું હોય જવા દેવુ પડે છે. પીવા, રાંધવા યા અન્ય રીતે પણ આ પાણી વાપરી શકાતું નથી. વેરો ભરતા હોવા છતાં પીવાલાયક પાણી ન અપાતું હોવાનું જણાવ્યું હતું. પાલિકા ભલે થોડો સમય પાણી આપે પરંતુ તેટલો સમય પણ સારુ પાણી આપી શકતી નથી.

નવસારી નગરપાલિકા કચેરીએ પહોંચેલી મહિલાઓને પ્રથમ પાણી વિભાગમાં જવાબદાર અધિકારી ન મળતા ગુસ્સે ભરાઈ હતી. જોકે બાદમાં સિટી ઈજનેર રાજુ ગુપ્તા પાસે જઈ પાણી અંગેની આપવિતી વર્ણવી હતી. નવસારીના ચારેક વોર્ડમાં પાલિકા દ્વારા આપવામાં આવતા પાણીની સમસ્યા લાંબા સમયથી જોવા મળી રહી છે પાલિકા આ પગલાં લે તે જરૂરી છે.

શહેરના અનેક વિસ્તારોમાં આ સમસ્યા
દૂષિત અને ડહોળા પાણીની સમસ્યા માત્ર દરગાહ રોડના તાડ ફળિયાની નથી સમગ્ર ચારપુલ, દરગાહ રોડ વિસ્તારની છે. દરગાહ રોડ ઉપરાંત ઘેલખડી વિસ્તારની અનેક રહેણાંક વસાહતો, દાંડીવાડ, કાશીવાડી વગેરે વિસ્તારમાં પણ પાલિકા દ્વારા અપાતું પાણી શરૂઆતમાં ખરાબ આવતા ઢોળી દેવું પડે છે.

વેરો ભરીને પણ પાણી ખરીદવા મજબૂરી
અમારા વિસ્તારમાં ઘણાં સમયથી પાણીની સમસ્યાની ફરિયાદ છે છતાં હલ કરાતી નથી. પાણી એટલું ખરાબ આવે છે કે પીવા તો ઠીક રાંધવા માટે પણ વાપરી શકાય એમ નથી. અમારે નાછૂટકે પૈસા ખર્ચી વેચાતુ પાણી લેવુ પડે છે. અસરગ્રસ્ત મુસ્લિમ મહિલા, દરગાહ રોડ, નવસારી

નવી લાઈનનું કામ શરૂ કરાયું છે
દરગાહ રોડ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવા નવી લાઈન નાંખવામા આવી રહી છે. જેનું કામ પણ શરૂ કરી દેવાયુ છે. લાઈન નંખાયા બાદ સમસ્યા હલ થવાની આશા છે. કાંતિભાઈ પટેલ, પ્રમુખ, નવસારી પાલિકા