19 April 2019

દાંડી સોલ્ટ મેમો.માં પ્રવાસીઓ માટે છત્રીની સુવિધા


નવસારી નજીક દાંડીમાં હવે રાષ્ટ્રીય ટુરીસ્ટ મથક તરીકે વિકસતા નેશનલ સોલ્ટ મેમોરિયલમાં તડકો અને વરસાદથી બચવા છત્રી વિનામૂલ્યે આપવામાં આવશે.પ્રવાસીઓએ છત્રી સ્મારક છોડતા પહેલાં પરત કરવાની રહેશે.નેશનલ સોલ્ટ મેમોરિયલમાં હાલ વેકેશન શરૂ થતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉનાળો હોય વિઝીટ લેતી વેળા પ્રવાસીઓ ગરમીનો અનુભવ પ્રવાસીઓ કરી રહ્યા છે. દાંડી મેમોરિયલમાં આવનાર જરૂરિયાતમંદ પ્રવાસીઓને સફેદ છત્રી આપવાનો નવતર પ્રયોગ અમલમાં મુકવામા આવ્યો છે.

જરૂરિયાત મુજબ ભવિષ્યમાં પગલાં લેવાશે
હાલ પ્રાયોગિક ધોરણે 84 છત્રીઓ આવેલી છે. અનુભવના આધારે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ ભવિષ્યમાં પગલાં લેવામાં આવશે. - રવિન્દ્ર મિસ્ત્રી, મેનેજર, દાંડી મેમોરિયલ

વ્હિલચેરની સુવિધા પણ
દાંડીમાં સફેદ છત્રીની જ નવતર સુવિધા શરૂ કરાઈ નથી પરંતુ પ્રવાસીઓને તરસ છીપાવવા માટે પાણીની સગવડ શરૂ કરી છે તો જરૂરિયાતમંદો (શારીરિક દિવ્યાંગ) માટે વ્હિલચેરની સુવિધા પણ મુકવામાં આવી છે.

વધારાનો કોઈ ચાર્જ લેવાશે નહીં
સુવિધાઓમાં ઉમેરો કરીને સફેદ છત્રી આપવાનો નવતર પ્રયોગથી પ્રવાસીઓ અને સલામતી રક્ષકો પણ જરૂરિયાત મુજબ છત્રીનો ઉપયોગ કરી શકશે. જેનો વધારાનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. - ડો. કાળુભાઈ ડાંગર, કો.ઓર્ડિનેટર, પ્રવાસન પ્રોજેકટ

વ્હિલચેર તથા છત્રીની નવી સુવિધાથી સંતોષ
મારા જેવી ઉંમરવાળા લોકો માટે વ્હિલચેર તથા છત્રીના ઉપયોગથી ખૂબ જ સંતોષ થયો છે. મેમોરિયલની મુલાકાત સરળ બની છે. - શકીનાબેન ઘડિયાળી, પ્રવાસી, ભરૂચ