20 April 2019

ઇટાળવા પાસે દારૂ ભરેલી કારનો આતંક, મોપેડને ઉડાવી દેતાં 1નું મોત, 3 ઘાયલ


નવસારીના ઇટાળવા ગામે બપોરના સમયે દારૂ ભરેલ કારના ચાલકે આગળ જતી મોપેડને પાછળથી અડફેટે લેતા મોપેડ પર બેસેલા ચારેય યુવાનો ઉછળીને કારના બોનેટ ઉપર પડ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જ્યારે ત્રણને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

નવસારીમાં 19 એપ્રિલના રોજ બપોર 1 ક્લાકની આસપાસ ગણદેવીથી સુરત જતાં રોડ ઉપર ઇટાળવા નજીક રાજ હંસ સિનેમાની સામે ડોજી ફળિયા નજીક કાર નંબર GJ 05 RF 8821ના અજાણ્યા ચાલકે પોતાની કાર પૂરપાટ ગફલત ભરી રીતે હંકારી સુરત તરફ જઇ રહ્યો હતો. એ દરમિયાન તેણે આગળ ચાલતી મોપેડ નંબર GJ 05 SL 0503ને પાછળથી અડફેટે લીધી હતી.

આ ઘટનાને પગલે મોપેડ પર બેઠેલા ચાર યુવાનો ફંગોળાઈને કારના બોનેટ પર પડ્યા હતા.અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કાચ ઉપર ઇજાગ્રસ્તોના વાળ પણ ચોટી ગયા હતા . આ ઘટનામાં કારના કાચનો ખુરદો બોલી ગાયો હતો . તો મોપેડની ડીકી પણ તૂટીને દૂર જઇ પડી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં મનોજ ઠાકોર રાઠોડ (રહે, પરવત પાટિયા, સુરત ) નું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ચેતન ઠાકોર રાઠોડ , મુકેશ નાયકા અને સતિશ ભાઈ (રહે, તમામ નાયકીવાડ બોમ્બે માર્કેટ પાસે સુરત ) એમ ત્રણને માથાના ભાગે ગભીર ઇજા થતાં તેમણે સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાની ખબર નવસારી એલસીબી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે કારનો કબ્જો લીધો હતો આ ઘટના ગ્રામ્ય પોલીસની હદમાં બની હોય પોલીસે વધુ તપાસ માટે ગ્રામ્ય પોલીસ ને તપાસ સોપી હતી. આ ઘટના માં કારનો ચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભારે ટક્કરથી મોપેડની ડિકી તૂટીને દૂર ઊડી ગઈ
કાર એટલી ઝડપે જતી હતી મોપેડને અડફેટે લેતા વચ્ચેથી ડીકી તૂટીને દૂર પડી હતી અને ઇજાગ્રસ્તોના બુટ પણ ઘટના સ્થળે જ પડ્યા હતા. મોપેડ પર લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા.

કારે ટક્કર મારી પછી શું થયું તેની ખબર નથી
અમે અમલસાડના કોથા ગામે મારી બેનની છોકરીના લગ્ન હોય ત્યાં આવ્યા હતા અને બપોરે જમીને પરત બાઇક પર આવ્યા હતા ત્યારે ઇટાળવા ગામ પાસે અમારી મોપેડને પાછળથી આવીને કારે ટક્કર મારી અને અમે પડી ગયા પછી શું થયું તેની ખબર નથી હોસ્પિટલ માં સારવાર બાદ થોડો હોશ માં આવ્યો છુ .ત્યારે મને ખબર પડી. - પ્રથમ દર્શી અને ઇજાગ્રસ્ત મુકેશ નાયકા, સુરત