21 April 2019

નહેરના રોટેશનની મોકાણ : નવસારીમાં 5 વિસ્તારના 50 હજાર લોકો ટેન્કરના સહારે


નવસારી શહેરના 5 વિસ્તારોમાં પાલિકાએ ટેન્કરો વડે પાણી આપવાની ફરજ પડી રહી છે. રોજ 5 ટેન્કરો 5 વિસ્તારોમાં પાણી પહોંચાડી રહ્યા છે. ઓછા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં અપૂરતું પાણી હોવાને કારણે નવસારી શહેરને નહેરના પાણીનો જથ્થો ઓછો મળી રહ્યો છે.

પાણી ઓછું મળતા પાલિકા શહેરીજનોને ‘પાણીકાપ’ મુકી એક જ ટાઈમ પાણી આપી રહી છે.જોકે શહેરના અનેક વિસ્તાર એવા પણ છે કે, જ્યાં એક ટાઈમ પણ પાણી પૂરતું નહીં મળે છે. આ વિસ્તારોમાં પાલિકાને ટેન્કરો મારફત પાણી આપવાની ફરજ પડી રહી છે.

શહેરના છેવાડે આવેલા તીઘરા નવીવસાહત, બાલાજી પાસેની વસાહત, દાંડીવાડ, દરગાહ રોડ તથા સરબતિયા તળાવ નજીકની વસાહતમાં 50 હજાર લોકોને ટેન્કરો મારફત પાણી અપાઈ રહ્યું છે.તીઘરા-બાલાજી નજીકની વસાહતમાં એક ટેન્કર એક દિવસના આંતરે તથા દાંડીવાડ, દરગાહ રોડ વિસ્તાર તથા સરબતિયા તળાવ નજીકની વસાહતમાં અન્ય ચાર ટેન્કરો દોડાવાઈ રહ્યા છે. કુલ 5 ટેન્કરો સરેરાશ રોજ મોકલાય છે. એક ટેન્કરમાં 3 હજાર લિટર એમ કુલ 15 હજાર લિટર પાણી ટેન્કર મારફત લોકોને વિનામૂલ્યે અપાય છે. 5 વિસ્તારોમાં ટેન્કરો દોડાવાઈ રહ્યાની જાણકારી મળી છે.

ટેન્કર ઓછા, ડિમાન્ડ વધુ
નવસારી પાલિકા પાસે 3 પાણીના ટેન્કર હોવાનું જાણવા મળે છે. જોકે હાલમાં ઉનાળામાં પાણીની વધુ ડિમાન્ડ થતા ફાયર વિભાગ પાણીના ટેન્કરો આપવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. શાળાઓ, શૌચાલયો તથા શહેરીજનો દ્વારા પણ અન્ય પરપઝ માટે પણ પાણીની ડિમાન્ડ થતા દરરોજ 20થી વધુ ટેન્કરો પાણીના મોકલવા પડે છે.

તીઘરા વસાહતમાં પાંચની જરૂરિયાત સામે એક ટેન્કર
અમારા વોર્ડ નં. 11ના તીઘરા નવી વસાહત વિસ્તારમાં પાણીની ખુબ જ તકલીફ છે. 1 ટેન્કર અપૂરતુ છે. 5 ટેન્કરની જરૂરિયાત છે. પાણી માટે રોજની બબાલ છે. નવા બોર કરાતા નથી. ધવલ દેસાઈ, કાઉન્સિલર, તીઘરા વસાહત, નવસારી

ટેન્કરનું પાણી પણ મળતું નથી
અમારા વિસ્તારમાં પાણી મળતું જ નથી. નગરપાલિકા ટેન્કર મોકલાવે છે પરંતુ આ ટેન્કરનું પાણી પણ અમને મળતું નથી. - ફાતિમાબેન પઠાણ, તીઘરા નવી વસાહત, નવસારી

પાણીના ટેન્કર આવતાં ઝઘડા
અમારા વિસ્તારમાં પાલિકાનું પૂરતું પાણી મળતું નથી પાણીના ટેન્કર અમારા વિસ્તારમાં પૂરતા આવતા નથી. જેને લઈને રોજ ઝઘડો થાય છે અને મારામારી પણ થાય છે. - આશાબેન ચૌહાણ, તીઘરા નવી વસાહત, નવસારી.

સીધી વાત - રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા
સ. : શહેરમાં પાણીની સમસ્યા કેમ સર્જાઈ ?
જ. : ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણ ડેમ અપૂરતો ભરાતા નહેરનું પાણી ઓછુ મળી રહ્યું છે.
સ. : ટેન્કરોથી કેમ પાણી આપવું પડે છે ?
જ. : કેટલાક વિસ્તારમાં પૂરતું પાણી પાલિકાનું પહોંચતુ નથી તથા ઉનાળામાં જરૂરિયાત વધી હોય ટેન્કરથી આપવું પડે છે.
સ. : પાલિકાએ હાલ પાણીની સમસ્યા ઉકેલવા શું કર્યું ?
જ. : અનેક વિસ્તારોમાં બોર શરૂ કર્યા છે. નજીકના હાંસાપોરના તળાવમાંથી પણ પાણી લેવાયું છે.
સ. : પાણીની સમસ્યા હલ કરવા ભવિષ્યનું આયોજન શું છે ?
જ. : ભવિષ્યમાં સમસ્યા સર્જાય તો હળવી કરવા શહેરના તળાવોનું એકીકરણનું આયોજન કર્યું છે. પૂર્ણા ડેમની દરખાસ્ત પણ છે. અન્ય વિકલ્પો પણ વિચારી શકાય એમ છે.