23 April 2019

યુવતીને વિધર્મી ભગાડી ગયાની વાતે મધરાત્રે પોલીસ મથકે ટોળું


નવસારીના એક વિસ્તારમાં રહેતી અને નોકરી કરતી યુવતી ગત રાત્રિએ ગુમ થયાની જાણ તેમના પરિવારજનોને થઈ હતી. તેણી સુરતના વિધર્મી યુવક સાથે જતી રહી હોવાની વાત ફેલાતા સ્થાનિકોનું 200થી વધુનું ટોળું નવસારી ટાઉન પોલીસ મથકે ધસી આવ્યું હતું અને યુવકને ઝડપી લેવાની માંગ કરી હતી. જોકે રાત્રિના સમયે આવી પહોંચેલા લોકોને અધિકારીએ સમજાવીને જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી.

નવસારીના એક વિસ્તારમાં રહેતી લીના (નામ બદલ્યું છે) નોકરી કરે છે. રવિવારે સાંજે તેણે તેની માતાને ફોન કરી સુરત જાય છે તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. બાદમાં તેના પરિવારજનોને વાત ખબર પડી કે સુરત રહેતો ઇરસાદ સાથે જતી રહી છે. પરિવારજનોએ મહોલ્લામાં રહેતા લોકોને જણાવતા વિધર્મી યુવાન તેને ભગાડી ગયો છે તેવી જાહેરમાં ચર્ચા થતાં તેઓ તુરંત યુવકને ઝબ્બે કરવા ટાઉન પોલીસ મથકે મોડી રાત્રે ધસી આવ્યા હતા.

આ યુવાનને તુરંત ઝબ્બે કરવાની માંગ કરી હતી. ઘટના બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેની માતાની જાણવા જોગ ફરિયાદ લઈને અધિકારીઓએ લોકટોળાને શાંત પાડ્યું હતું. જેમાં જણાવ્યુ કે તેમની પુત્રી સાંજે 6.15 વાગે તેમને ફોન કરીને જણાવ્યુ કે તે સુરત જાય છે, ત્યારબાદ ઘરે પરત ન આવતા ગુમ થયાની ફરિયાદ આપી હતી.