24 April 2019

નવસારી બેઠક પર 66.34 ટકા મતદાન, સૌથી વધુ ગણદેવી 75.29, ઓછું ઉધનામાં 61 ટકા


નવસારી બેઠક માટે આજે 23મી એપ્રિલે કુલ 2098 મતદાન મથકો ઉપર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું. નવસારીના ઘણાં બૂથ ઉપર સવારથી જ મતદારોની કતાર જોવા મળી હતી.

સવારના ચાર કલાકમાં 24 ટકાથી વધુ મતદાન થઈ ગયું હતું. ખાસ નોંધનીય વાત એ હતી કે બપોરના સમયે તાપમાન 37.5 ડિગ્રી થઈ ગયું અને ભારે ગરમી પણ પડી આમ છતાં 11થી 3 વાગ્યા દરમિયાન પણ મતદારોનો ઉત્સાહ ઓસર્યો ન હતો અને આ ધોમધખતા તાપના ચાર કલાકમાં પણ 28 ટકાથી વધુ મતદાન થઈ ગયું હતું. દિવસ દરમિયાન પ્રથમ વખત મતદાન કરનારા યુવાન, આધેડ-વૃદ્ધ તમામમાં મતદાનનો ઉત્સાહ દેખાયો હતો.

નવસારી બેઠકમાં સમાવિષ્ટ સુરત પંથકની ચાર વિધાનસભા વિસ્તાર લિંબાયત, ઉધના, મજૂરા અને ચોર્યાસીમાં ઓછુ રહ્યું, જ્યારે નવસારીની ત્રણ વિધાનસભા નવસારી, જલાલપોર અને ગણદેવીમાં સુરત કરતા વધુ મતદાન થયું હતું. સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં સુરતની ચાર વિધાનસભામાં 61થી 64 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભામાં 71થી 75 ટકા મતદાન થયું હતું. આમ નવસારી બેઠક ઉપર અંદાજે 66.34 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન કોઈ મોટી અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી.

3 વાગ્યા સુધી 120 મશીન ખોટકાયા
નવસારી બેઠક ઉપર મતદાન વેળા ઘણાં ઈવીએમ અને વીવીપેટ મશીન ખોટકાયા હતા અને તે બદલવાની પણ નોબત આવી હતી. સવારથી બપોરે 3 વાગ્યા સુધીમં જ 120 ઈ‌વીએમ વીવીપેટ મશીન ખોટકાઈ ગયા હતા. જેમાં 38 બેલેટ યુનિટ, 19 કંટ્રોલ યુનિટ અને 63 વીવીપેટ મશીન ખોટકાયાની જાણકારી મળી હતી. ખોટકાયેલા બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટની સંખ્યા બપોરે 3 વાગ્યા સુધીમાં વિધાનસભા દીઠ જોતા લિંબાયતમાં 12, ઉધનામાં 15, મજૂરામાં 14, ચોર્યાસીમાં 54, જલાલપોરમાં 4, નવસારીમાં 11 અને ગણદેવીમાં 10 યુનિટ હતા.

નવસારી-વિજલપોરના બે બૂથોએ મતદાન અટક્યું
નવસારીમાં દશેરા ટેકરી વિસ્તારના સરદાર પટેલ છાત્રાલય સ્થિત મથકે ઈવીએમની બેટરી ખોટકાતા ઘણો સમય મતદાન થઈ શક્યું ન હતું. વિજલપોર પ્રાથમિક શાળાની બૂથ 95મા મતદાન શરૂ થતા પહેલા જ મશીનમાં મુશ્કેલી સર્જાતા લગભગ અડધો કલાક મતદાનમાં વિલંબ થયો હતો.

મતદારયાદીમાંથી નામ ગાયબ
નવસારીના ઝારાવાડ વિસ્તારના ત્રણેક કુટુંબના 15 જેટલા મતદારના નામ જ મતદારયાદીમાં ન હોવાનું જણાયું હતું. આ લોકો પાસે વોટીંગ કાર્ડ હતા, અગાઉની ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું પરંતુ આ લોકસભા ચૂંટણીમાં મતદારયાદીમાંથી નામ નીકળી ગયાનું સ્થાનિક પાલિકા કાઉન્સિલર પિયુષ ઢીમ્મરે જણાવ્યું હતું. આ અંગે બીએલઓનું ધ્યાન પણ દોરાયું હતું.

સાંજે 6 વાગ્યા સુધીનું મતદાન