25 April 2019

નવસારીમાં 4 માસથી 'ઉજાલા' કેન્દ્ર બંધ કંપનીની નફ્ફટાઈ સામે DGVCL લાચાર


ભારત સરકાર દ્વારા લોકોને વીજ બચત થાય અને તેમના વીજ બિલમાં પણ ખર્ચ પણ ઓછો થાય તે માટે ઈઇએસએલ કંપનીના ઉપક્રમે વર્ષ 2015માં ઉજાલા યોજના શરૂ કરવામાં આવી હતી.

લોકોને ઉજાલા બલ્બ ખરીદવા માટે સરકાર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો અને લોકોએ લાંબી લાઈન લગાવી ઉજાલા બલ્બ ખરીદયા હતા. ખાનગી કંપનીના એલઇડી બલ્બના ભાવ રૂ. 150થી શરૂ થતો હોય છે અને ગુજરાત સરકાર દ્વારા અપાતાં ઉજાલા બલ્બ રૂ.70 પ્રતિ બલ્બ હોય લોકોના બજેટમાં ગોઠવાય જતા હતા. લોકોને સરકાર દ્વારા બલ્બ તે વખતે વધુમાં વધુ 10 નંગ આપતા હતા.

ઉજાલા બલ્બ માટે નવસારીમાં ડીજીવીસીએલ કંપનીના સંકુલમાં વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કેન્દ્ર છેલ્લા ચાર માસથી બંધ થઈ જતાં લોકોને નવા બલ્બ ખરીદવા અને જૂના બલ્બમાં કોઈ ખરાબી આવી હોય તે બદલવા માટે લોકો આ કેન્દ્રમાં આવી રહ્યા છે પરંતુ આ વિતરણ કેન્દ્ર બંધ જ રહેતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને ક્યારે વિતરણ કેન્દ્ર ખુલશે તેની રાહ જોઈ રહ્યા છે.

વિતરણ કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે
સરકાર દ્વારા વીજ બચત માટે ઉજાલા બલ્બ લેવા માટે પહેલા આધાર કાર્ડ અને વીજબીલ બતાવતા 10 જેટલા બલ્બ આપતા હતા. બાદમાં વધુમાં વધુ 6 બલ્બ આપતા હતા ત્યારે ગેરંટીનું પૂછતા ઉપસ્થિત કર્મચારીઓ જણાવતા હતા કે તમે માત્ર બલ્બ અને બીલ લઈ આવજો તમોને બીજા બલ્બ આપીશું પરંતુ છેલ્લા ચાર માસથી બલ્બ બદલાવવા માટે વિતરણ કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે. - નરેશ જૈન, ગ્રાહક, દશેરા ટેકરી

લોકો કચેરીએ આવે છે
ઉજાલા બલ્બ વિતરણ કેન્દ્ર ક્યારે ખુલશે તેની ખબર નથી. ઉજાલા બલ્બનું વિતરણ કેન્દ્ર બંધ થઈ જતાં કચેરીએ લોકો આવે છે. અમોએ ખાનગી કંપનીને વિતરણ કેન્દ્ર માટે કેબિન જ ફાળવી આપી હતી. અમારી કોઈ જવાબદારી નથી. કંપનીમાં ફોન કરતા કોઈ રિસિવ પણ કરતું નથી. - એસ.એસ. શિરસાઠ, કાર્યપાલક ઇજનેર, નવસારી ડીજીવીસીએલ