26 April 2019

નવસારીના દશેરા ટેકરી ખાતે બે બાળકોને કરંટ લાગ્યો, બંનેનો બચાવ


નવસારીના દશેરાટેકરી ખાતે આવેલા રેલરાહત કોલોનીમાં રમતી વેળાએ બે બાળકોને કરંટ લાગવાની ઘટનાને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ બાળકોને પગમાં કરંટ લગતા તેમને ખાનગી તબીબને ત્યાં લઈ જઇ સારવાર અપાતા બાળકોની હાલતમાં સુધાર આવી ગયો હતો.

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા રેલ રાહત કોલોનીમાં હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ચાલી રહ્યું હોય લોખંડના સળિયા પણ રસ્તામાં નાંખી દેવાયા છે. આ સળિયાની બાજુમાં ઈલેકટ્રીક વાયર પડ્યો હોય તેમાંથી કરંટ ઉતરતો હતો. એ સ્થળે બાળકો રમવા આવતા નિકિતા અને વ્રજ નામના બે બાળકોને અચાનક કરંટનો ઝાટકો પગમાં લાગતાં આ બાળકો ગભરાઈ ગયા અને રડવા લાગ્યા હતા. જેથી સ્થાનિકો આ બાળકોને સ્થાનિક તબીબને ત્યાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તબીબે બાળકોને સામાન્ય કરંટ જ લાગ્યો હોય ગભરાવવા જેવુ નથી તેમ જણાવ્યું હતું.

દશેરાટેકરી વિસ્તારમાં બાળકોને કરંટ લાગવાની ઘટના વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જેમાં હાલમાં પ્રધાન મંત્રી આવાસ નું યોજના નું કામકાજ ચાલતું હોય લોખંડના સળિયા સલામત સ્થળે ન મૂકતાં આ ઘટના ઘટી હતી. બાળકોને બચાવ થતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.