27 April 2019

રેલ રાહત કોલોનીમાં બોર તૈયાર, ટ્રાન્સફોર્મરના અભાવે લોકો પાણીથી વંચિત


નવસારીના વોર્ડ નં. 11માં આવેલા રેલરાહત કોલોનીમાં પાણીની સમસ્યા ઉકેલ માટે નગરપાલિકા દ્વારા સાંસદની ગ્રાંટમાથી પાણીનો બોર ખોદવામાં આવ્યો હતો. આ પાણીનો તૈયાર બોર પાણી માટે ચાલુ થાય તે માટે આ વિસ્તારના લોકોને રાહ જોવી પડી રહી છે. હાલમાં પાણીની સમસ્યા હોવા છતાં નવસારી પાલિકા દ્વારા આ બોર પાણીની મુખ્ય લાઇનમાં જોડીને ક્યારે પાણીનું વિતરણ થશે તે બાબતે નવસારી પાલિકા દ્વારા વીજ મીટર મુકાયું ન હોય ચાર માસથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.

નવસારીના વોર્ડ નં. 11માં આવેલા રેલરાહત કોલોનીમાં 350થી વધુ આદિવાસી અને ગરીબ લોકોનાં ઘરો આવેલા છે. આ વિસ્તારમાં પાણી પૂરતા પ્રમાણમાં ન આવતા લોકોને ઘણા સમયથી પાણીની તકલીફ પડી રહી હતી. આ વાતને 6 માસ પહેલા તત્કાલીન સાંસદ દશેરા ટેકરી વિસ્તારમાં આવ્યા હોય પાણીની સમસ્યા નિવારવા પાણીનો બોર થાય તે માટે રજૂઆત કરી હતી અને બે માસમાં તેમણે નવસારી નગરપાલિકાને વાત જણાવતા 3 જાન્યુઆરીએ સાંસદની ગ્રાન્ટમાંથી પાણીનો બોર મંજૂર કર્યો હતો. 3જી જાન્યુઆરીએ પાણીના બોરનું ખાતમુહૂર્ત સ્થાનિક લોકોએ કરી નાખ્યું હતું અને આ બોર 12 દિવસમાં તૈયાર થઈ ગયો હતો પાણી પણ ચાલુ થયું હતું. આ વાતને ચાર માસ વીતી ગયા હોવા છતાં આ પાણીના બોરની લાઇન તે વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં જોડવાની કામગીરી શરૂ ન કરાતાં આ વિસ્તારના લોકોએ સ્થાનિક આગેવાનોને ફરિયાદ કરી હતી.

વીજબીલનાં નાણાં પણ ભરાઈ ગયાં, ટ્રાન્સફોર્મર નથી મુકવામાં આવ્યું
પાણીનો બોર ચાલુ થાય તે માટે વીજળીની જરૂર હોય તે બાબતે નગરપાલિકા દ્વારા વીજબીલનાં નાણાં પણ ભરાઈ ગયાં છે. અલગ ટ્રાન્સફોર્મર મૂકવાની જરૂરિયાત ઊભી થતાં કામ ઝડપથી થાય તે માટે પાલિકા દ્વારા ગોડાઉનવાળી જગ્યાએ રેતી કપચીની પણ વ્યવસ્થા કરી દીધી હતી. પણ ત્યાંના અધિકારીઓએ ટ્રાન્સફોર્મર મૂકવા માટે ના પાડી હતી. હવે બીજી જગ્યાએ ટ્રાન્સફોર્મર મૂકવાની જગ્યા મળે તો તુરંત વીજ મીટર મુકાય અને લોકોની સમસ્યા દૂર થઈ શકે છે.  - ત્રિભોવન (કાળુભાઇ) ચાવડા, ચેરમેન, વોટર વર્કસ કમિટી, નવસારી પાલિકા

વીજળીના અભાવે બોર શોભાના ગાંઠિયા જેવો
પાણીનો બોર ખોદાઈ જશે ત્યારબાદ ટૂંક સમયમાં આ પાણીના બોરની લાઇન મુખ્ય લાઇનમાં જોડી દઈ અમારા વિસ્તારની સમસ્યા દૂર કરાશે, પણ ચાર માસ થયા હોવા છતાં આ બોર ચાલુ ન કરતાં માત્ર શોભાના ગાંઠિયા જેવો લોકોને લાગી રહ્યો છે. - નીલેશ ગુરવ, સ્થાનિક કાર્યકર્તા, દશેરા ટેકરી