28 April 2019

નવસારીમાં 21 વર્ષનો રેકર્ડ તૂટ્યો, તાપમાન 43.3 ડિગ્રી


નવસારી પંથકમાં શનિવારે ઓરેંજ એલર્ટની આગાહી અંતર્ગત તાપમાનમાં ભારે વધારો થયો હતો. બપોરના સમયે પારો 43.3 ડિગ્રીએ પહોંચી જતા છેલ્લા 21 વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધાયાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

સુરત પંથકમાં શનિવારે ઓરેંજ એલર્ટની આગાહી કરાઈ હતી અને તાપમાનમાં ભારે વધારો થવાની શક્યતા દર્શાવાઈ હતી. સુરતને અડીને આવેલા નવસારી પંથકમાં શનિવારે ઉક્ત આગાહી લગભગ સાચી ઠરી હતી. શનિવારે સવારે 10 વાગ્યાથી જ ગરમી વધવા માંડી હતી. ક્રમશ: ગરમી વધતી જ રહેતા બપોરના અઢી વાગ્યાના સમયે તો નવસારી કૃષિ યુનિ.ના તાપમાનમાપક યંત્રમાં પારો 43 ડિગ્રી પણ વટાવી 43.3 ડિગ્રીએ સ્થિર થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી પંથકમાં છેલ્લા 21 વર્ષમાં સૌથી વધુ તાપમાન શનિવારે નોંધાયું હતું. 15 વર્ષ અગાઉ 4 મે 2004ના રોજ તાપમાન બપોરે 43 ડિગ્રી નોંધાયું હતું, જેનો રેકોર્ડ આજે નવસારીમાં તૂટ્યો હતો.

નવસારીમાં તાપમાન વધવા સાથે ભેજના પ્રમાણમાં પણ ફેરફાર થયો હતો. બપોરે માત્ર 33 ટકા (શુક્રવારે 47 ટકા) થઈ ગયું હતું. સવારે પણ 74 ટકા જ નોંધાયું હતું. સવારે તાપમાન 22 ડિગ્રી રહ્યું હતું. તાપમાનમાં ભારે વધારો થતા લોકોએ અભૂતપૂર્વ ગરમીનો અનુભવ કર્યો હતો. બપોરના સમયે મહત્તમ લોકો મોઢા ઉપર કપડાનું આવરણ ઓઢી જતા નજરે પડ્યા હતા. માર્ગો ઉપર અવરજવર ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. લોકોએ શનિવારે ધગધગતી શરીરે દાઝતી ગરમીનો અનુભવ કર્યો હતો.

છેલ્લા અઠવાડિયાથી ગરમી વધી
છેલ્લા એકાદ અઠવાડિયાથી નવસારીમાં વધુ ગરમી પડી રહી છે. જે અંતર્ગત તાપમાન જોતા 21મીએ 38.2 ડિગ્રી, 22મીએ 37.5 ડિગ્રી, 23મીએ 37.5 24મીએ 39.5, 25મીએ 37.7, 26મીએ 39.7 અને 27મીએ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.