30 April 2019

ફિલ્ટરેશન પ્લાન્ટના તળાવમાં હજુ ગંદું પાણી


વિજલપોર પાલિકા ફિલ્ટરેશન પ્લાન્ટનું શુદ્ધ પાણી આપવાની તૈયારી કરી રહી છે ત્યાં ફિલ્ટરેશનના તળાવમાં ઠલવાયેલ ગંદુ પાણી પુરું બહાર ન કઢાયાની ફરિયાદો બહાર આવી છે.

વિજલપોર પાલિકા વરસોથી શહેરીજનોને બોરનું પાણી આપી રહી છે. થોડા વર્ષો અગાઉ પાલિકાએ ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ થયેલું મીઠુ પાણી આપવાની યોજના બનાવી હતી. આ યોજના અંતર્ગત ફિલ્ટરેશન પ્લાન્ટ રામનગર નજીકના ચંદન તળાવને લાગુ બનાવ્યો છે. હવે નવસારી પાલિકા સાથે નહેરના પાણીનો કરાર થઈ જતા ફિલ્ટરેશન પ્લાન્ટ કાર્યરત કરી શહેરીજનોને શુદ્ધ, મીઠુ પાણી આપવાની તૈયારી વિજલપોર પાલિકાએ કરી છે.

જોકે રામનગરના ચંદન તળાવમાં ગત ચોમાસાની મોસમથી રામનગર વિસ્તારનું ગંદુ પાણી ઠલવાયાનું જાણવા મળે છે. જેમાં ઘણુ ગંદુ પાણી તો બહાર કઢાયું છે છતાં હજુ પણ ગંદુ પાણી તળાવમાં મોજુદ છે, જેને લઈને નહેરનું પાણી તળાવમાં ભરવા પહેલા આ ગંદુ પાણી તાકિદે બહાર કાઢવાની માગ શાસક પક્ષમાંથી જ ઉઠી છે.

ગંદુ પાણી બહાર કાઢી નવું પાણી ઠલવાશે
'રામનગર તળાવનું ગંદુ પાણી બહાર કઢાઈ જ રહ્યું છે. બાકી રહેલું પાણી પણ કાઢી ત્યારબાદ નવું પાણી ઠલવાશે.' - શશી પટેલ, સિટી ઈજનેર, વિજલપોર પાલિકા

બે દિવસમાં પાણી આવશે
'મને માહિતી મળી છે કે બે દિવસમાં નવુ પાણી આ તળાવમાં લાવવામાં આવશે. તેથી તે અગાઉ આ જૂનુ ગંદુ પાણી બહાર કાઢવું જોઈએ. નહીં તો લોકોના આરોગ્યની સમસ્યા ઉભી થઈ શકે છે. આ બાબતની રજૂઆત પાલિકાના સીઓને પણ કરી છે.' - દિલીપસિંહ ભદોરીયા, ચેરમેન, બાંધકામ સમિતિ વિજલપોર પાલિકા