22 April 2019

નવસારીમાં પ્રચારનાં પડઘમ શાંત, છેલ્લા દિવસોમાં રોડ શો યોજાયા


નવસારી લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચાર પડઘમ રવિવારે શાંત થયા હતા. તે અગાઉ છેલ્લા બે દિવસો દરમિયાન મુખ્ય રાજકીય પ્રતિસ્પર્ધી પક્ષ ભાજપ-કોંગ્રેસના રોડ શો નવસારીમાં યોજાયા હતા.

નવસારી લોકસભા બેઠક માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ 25 ઉમેદવારો ચૂંટણી રેસમાં જોતરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી નવસારી પંથકમાં ઉમેદવારોનો પ્રચાર ચાલતો જોવા મળ્યો છે. આવતી કાલે ચૂંટણીનો તહેવાર છે, ત્યારે 21મીએ સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા. જોકે પ્રચારના પડઘમ શાંત થવા અગાઉ નવસારી, વિજલપોર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસમાં મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસના જાહેર રોડ શો યોજાયા હતા.

7 વિધાનસભા બેઠક મળી કુલ 19.40 લાખ મતદારો
આવતી કાલે નવસારી લોકસભા બેઠકનું ભાવિ 19.40 લાખ મતદારો નક્કી કરશે. નવસારી લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં નવસારી જિલ્લા ત્રણ વિધાનસભા બેઠક છે. જેમાં નવસારીમાં 269 મતદાન મથકો પર 2.34 લાખ મતદારો, જલાલપોરમાં 254 મતદાન મથકો પર 2.22 લાખ, ગણદેવીમાં 320 મતદાન મથકો ઉપર 2.76 લાખ મતદારો મતદાન કરશે. સુરત જિલ્લાની ચાર વિધાનસભા બેઠકમાં લિંયાયતમાં 264 મતદાન મથકો પર 2.67, ઉધનામાં 247 મતદાન મથકો પર 2.41, મજૂરામાં 249 મતદાન મથકો ઉપર 2.53 લાખ અને ચોર્યાસીમાં 472 મતદાન મથકો ઉપર 4.44 લાખ મતદારો મતદાન કરશે. આમ 7 વિધાનસભા બેઠક મળી કુલ 19.40 લાખ મતદારોના મતદાન થકી આગામી લોકસભા ઉમેદવાર વિજેતા નક્કી કરશે. જેમાં 10.60 લાખ પુરૂષ મતદારો અને 8.80 લાખ મહિલા મતદારો અને અન્ય 79 જેટલા મતદારો મતદાન કરશે.

બેઠક ‘નવસારી’ અને વધુ પ્રચાર ‘સુરત’માં
લોકસભાની ચૂંટણીની બે ટર્મથી નવસારીને અલગ બેઠક મળી છે. આ વખતે આ બેઠકની ત્રીજી ચૂંટણી યોજાઈ રહી છે. આમ તો બેઠકનું નામ ભલે ‘નવસારી’ હોય પરંતુ આ બેઠકનો પ્રચાર નવસારી પંથક કરતા સુરતમાં જ વધુ રહ્યો હતો. એનું મુખ્ય કારણ નવસારી બેઠકના કુલ મતદારોમાં 62 ટકા મતદારો સુરતની ચાર વિધાનસભા ઉધના, મજૂરા, લિંબાયત અને ચોર્યાસીના છે. જ્યારે નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા નવસારી, જલાલપોર અને ગણદેવીના 38 ટકા જ મતદારો છે.

પ્રચારમાં વિવિધ પ્રયુક્તિ અજમાવાઈ
નવસારી લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા છે. જેમાં સુરત પંથકની 4 અને નવસારી પંથકની 3 વિધાનસભાનો સમાવેશ થાય છે. નોંધનીય વાત એ છે કે આ મતવિસ્તારમાં આદિવાસી, દલિત, કોળી સહિતની ઓબીસી, બ્રાહ્મણ, જૈન, મુસ્લિમ, પારસી ઉપરાંત પરપ્રાંતીય મતદારો પણ લાખોની સંખ્યામાં છે. પરપ્રાંતીય મતદારોમાં પણ મહારાષ્ટ્રીયન, યુપીવાસી, બિહારી, ઉડીયા, રાજસ્થાની વગેરે રાજ્યના મતદારો પણ છે.

સોશિયલ મીડિયામાં ભરપૂર પ્રચાર
નવસારી બેઠક માટે આ વખતે જાહેર પ્રચાર પ્રમાણમાં ફિક્કો જોવા મળ્યો હતો. જોકે સોશ્યલ મિડિયામાં ઉમેદવાર માટે સીધો યા આડકતરો ભરપૂર પ્રચાર થયાનું જોવા મળ્યું છે. રાજકીય પક્ષોના ટેકેદારો પોતાના રાષ્ટ્રીય નેતાઓની સાથે નવસારી બેઠકના ઉમેદવારો માટે વિવિધ પ્રયુક્તિ અજમાવી સોશ્યલ મિડિયામાં પ્રચાર કર્યો છે. ફેસબુક, વોટસઅપ, ટ્વીટર છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણીના પ્રચારથી ભરાયેલા દેખાયા છે.