26 April 2019

ગાંધીસ્મૃતિ પાસે સર્વિસ રોડની સમસ્યા દૂર ન કરાતાં ફરિયાદ


ગાંધીસ્મૃતિ ફાટક નજીક ચાલતા ઓવરબ્રિજના કામને કારણે પડતી તકલીફ હળવી કરવા પૂરક પગલાં ન લેવાયા હોવાની લેખિત રજૂઆત અબ્રામા-વિજલપોર પંથકના અસરગ્રસ્તોએ કલેકટરને કરી છે.

જલાલપોર તાલુકા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ પટેલ તથા અન્ય લોકોએ કલેકટર ઉપરાંત અન્ય સંબંધિત તંત્રને એક લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ગાંધીસ્મૃતિ રેલવે ફાટકે ઓવરબ્રિજનું કામ ઘણાં સમયથી ચાલી રહ્યું છે. આવા કામ ચાલે ત્યારે સર્વિસ રોડ બનાવવો જરૂરી હોય છે પરંતુ અહીં યોગ્ય સર્વિસ રોડ ન બન્યો હોય મુશ્કેલી પડી રહી છે. નજીક હાંસાપોર રેલવે ફાટક છે જે પણ માત્ર 12 કલાક જ ખુલ્લી રહે છે. 24 કલાક ખુલ્લી રાખવાની ઘણાં સમયથી માગ છે તે સ્વીકારાઈ નથી. હાંસાપોર ફાટક નજીક મંદિર ગામે અંડરબ્રિજ આવેલ છે ત્યાં પણ માત્ર 'માટીપુરાણ' જ કરાયેલ છે. તેમાં પણ મેટલ કે પાકો રસ્તો બને તો જ રાહત થાય એમ છે.

તો સરદાર ચીંધ્યા માર્ગે આંદોલન
પોતાની રજૂઆતમાં અસરગ્રસ્તોએ વધુમાં જણાવ્યું કે હાલ જે સમસ્યા છે તે ચોમાસાની મોસમમાં (જે સવા-દોઢ મહિનામાં શરૂ થાય છે) ચાર ગણી વધવાની શક્યતા છે. તેથી અત્યારથી જ પગલાં લેવા જરૂરી છે. રજૂઆતકારોએ ત્વરિત યોગ્ય પગલાં ન લેવાય તો 'સરદાર ચીધ્યા માર્ગે' આંદોલન કરવાની ચીમકી આપી છે.