27 April 2019

નવસારીમાં માર્ગોનાં અટકેલાં કામ ચૂંટણી બાદ શરૂ


નવસારી શહેરના લગભગ એક મહિનાથી અટકેલાં આંતરિક માર્ગોના કામો ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત શરૂ થયા છે. નવસારી પાલિકાએ શહેરના ઘણાં આંતરિક માર્ગો કરોડોના ખર્ચે બનાવવાનું આયોજન કર્યું હતું.

આમ તો આ કામને મંજૂરી એકાદ વર્ષ અગાઉ જ મળી ગઈ હતી પરંતુ કોઈક કારણસર કામો શરૂ થવામાં વિલંબ થયો હતો. ગત ફેબ્રુઆરીના અરસામાં આ માર્ગો રિકાર્પેટ કરવાના કામો શરૂ કરી દેવાયાં હતાં.

જોકે હોળીનો તહેવાર આવતા કામ બંધ થયા હતા. તે વખતે પાલિકાનાં સૂત્રો એમ જણાવી રહ્યા હતા કે હોળીએ મજૂરો વતન જતા રહેતા કામ બંધ રાખવામાં આવ્યું છે.

હોળી વિત્યાને 15-20 દિવસ થવા છતાં પણ માર્ગનાં અટકેલાં કામો શરૂ થયાં ન હતાં. આખરે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયાને એક દિવસ બાદ પુન: અટકેલાં કામો શરૂ કરાયાં છે.  બે દિવસથી શાંતાદેવી રોડ નજીક તથા અન્ય વિસ્તારમાં રિકાર્પેટિંગનાં કામ શરૂ થયેલા જોવા મળ્યા છે.

આખો મહિનો કામ કેમ બંધ રહ્યાં?
માર્ગોના કામો હોળીને લઈ બંધ થયાનું પાલિકા સૂત્રો જણાવે છે ત્યાં લગભગ એક-સવા મહિનો કામ બંધ રહેવા પાછળ અન્ય કારણ પણ હોવાની વાતો થઈ રહી છે. ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હોય આચારસંહિતાની બબાલને ટાળવા પણ બંધ રખાયાનું જાણવા મળે છે. પાલિકાનો સ્ટાફ ચૂંટણીમાં ફાળવાયાનું કારણ પણ જણાવાય છે.