28 April 2019

ગટરમાં મહિલા પડવા છતાં પાલિકાએ પગલાં ન લીધા


નવસારીમાં ટાટા સ્કૂલ પાસે આવેલી ખુલ્લી ગટર ઉપર કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો મૂકતાં આ ગટરની દુર્ગંધથી સ્થાનિકો માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે. આ ખુલ્લી ગટરમાં સ્થાનિક મહિલા અકસ્માતે પડી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે અહી રહેતા પરિવારોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેતા તેઓ ગટર પર સુરક્ષાના સાધનો મુકાવાની રાહ જોઈ રહ્યા છે.

નવસારીના વોર્ડ નંબર 4માં આવેલી ટાટા સ્કૂલ નજીક જૂનું જકાતનાકા પાસે આદિવાસી પરિવારો રહે છે. તેમના આંગણામાંથી નવસારી શહેરની ગટર પસાર થાય છે. તેના ઉપરનો સ્લેબ તૂટી જતાં તે 8 માસ પહેલા ખુલ્લી થઈ ગઈ હતી. આ ખુલ્લી ગટર ઉપર અત્યાર સુધી સુરક્ષા માટેની કાર્યવાહી ન કરાતા ખુલ્લી ગટરમાથી દુર્ગંધ આવી રહી છે જેને પરિણામે સ્થાનિકો ત્રાસી ગયા છે. આ બાબતે વારંવાર પાલિકા તથા નગરસેવકોને રજૂઆત કરી હતી પરંતુ કાર્યવાહી ન કરાતાં આજે પણ ગટર ભયજનક રીતે ખુલ્લી છે.

આ ગટર આશરે 25થી 30 ફૂટ ઊંડી હોય કોઈ અકસ્માતે અહી પડી ન જાય તે માટે સ્થાનિકોએ ખુલ્લી ગટર પર લાકડા તથા અન્ય સાધનો મૂકીને ઢાંકી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસામા એક મહિલા અકસ્માતે ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. તેમને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. પાલિકાના શાસકો ખુલ્લી ગટર બંધ કરવાની કામગીરી કરે તેવી સ્થાનિકોની માગ છે.

યોજના મંજૂર થઈ ગઈ છે, આચારસંહિતા બાદ કામ શરૂ થશે
ટાટા સ્કૂલ પાસે ગટરમાં ગાબડું પડયુ છે તેની જાણ છે. આ ગટર લાઇનમાં ગાબડાં પડેલા હોય આ ગટર લાઇન નવી બનાવાશે. યોજના મંજૂર થઈ ગઈ છે. ચૂંટણીની આચારસંહિતા હોય હાલ કામ ચાલુ કર્યું નથી પણ ચોમાસા પહેલા આ ગટરનું કામ પૂરું થઈ જશે. - રાજુ ગુપ્તા, ચીફ એન્જિનિયર, નવસારી પાલિકા

દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
ચોમાસાની ઋતુ દરમિયાન અહી પાણી ભરાતા આ ખુલ્લી ગટરમાં પગ લપસતા પડી ગઈ હતી. એક માસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. છેલ્લા 6 માસથી ખુલ્લી ગટરને કારણે દુર્ગંધ આવે છે. અહી જીવવું મુશ્કેલીભર્યું લાગી રહ્યું છે. ખુલ્લી ગટરમાં રાત્રિના સમયે કોઈ નાનું બાળક પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તો એ માટે જવાબદાર કોણ? - લીલા પટેલ, ભોગ બનનાર

પાલિકામાં અરજી કરી હતી
બે ત્રણ માસ પહેલા અરજી કરી હતી અને એન્જિનિયરઆવીને જોઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે જે ભાગ ખુલ્લો છે તેના ઉપર સ્લેબ ભરીને ગટર બંધ કરવાની કામગીરી કરાવીશું. - મોહમદ અંજુમ શેખ, કોર્પોરેટર, વોર્ડ નં. 4