29 April 2019

કાકાએ ભત્રીજાની જમીન પચાવી પાડી ઘર બાંધી દીધું


વિજલપોરના મોટારા ફળિયા ખાતે રહેતા ભત્રીજાની જમીન ઉપર ગેરકાયદે કબજો તાણીને ઘર બાંધી દીધું હતું. આ બાબતે ભત્રીજાએ નૂડા, વિજલપોર નગરપાલિકા, ક્લેક્ટરને ફરિયાદ આપી હતી. આ બાબતે નૂડાના અધિકારીઓએ એક દિવસ જઈને આ બાંધકામ અટકાવ્યું હતું પણ બે ત્રણ દિવસ બાદ પાછું બાંધકામ ચાલુ કરી દેવાયું હતું. હાલ આ નાયકા પરિવાર ત્રણ વર્ષથી પોતીકી જમીન હોવા છતાં સાસરે ઓશિયાળા રહેવું પડી રહ્યું છે.

વિજલપોર શહેરના વોર્ડ 10માં આવેલ મોટારા ફળિયા ખાતે મનોજ ઉકા નાયકા (હાલ રહે. બીલીમોરા, કરણદેવી ગામ) પિતાના નામે સર્વે નંબર 55 અ-3 પૈકી 3 વાળી જમીન આવેલી છે. તેમણે ક્લેક્ટરને ફરિયાદ આપી હતી કે તેમનું ઘર જર્જરિત હોય તેઓ પોતાના સાસરે રહેતા હતા, તેનો લાભ લઈ ને એક વર્ષ પહેલાં પરીક્ષા આપવા આવેલા મનોજ નાયકાના પુત્રને બપોરના સમયે તેમના ઘરમાંથી બહાર કાઢી ને ઘર સહિત જમીનનો કબજો લઈ લીધો હતો. આ અંગે મનોજ નાયકાએ તેમના કાકાને સમજાવાના પ્રયત્નો કર્યા હતા. ઊલટાનું મનોજના કાકા માથાભારે બૂટલેગર હોય તેમણે ધાકધમકી આપી હતી.

ભત્રીજા મનોજ નાયકા એ ક્લેક્ટર અને નૂડાને અરજી કરી ન્યાય મળે તેની માંગ કરી હતી પણ નૂડાના અધિકારી આવીને કામ બંધ કરો તેમ કહી ને જતાં રહ્યા હતા. અધિકારી ગયા બાદ પુનઃ મનોજના કાકાએ બે ત્રણ દિવસ બાદ કામ ફરી ચાલુ કરી દીધું હતું અને હાલ પણ કામકાજ ચાલુ જ છે. આ બાબતે ગરીબ અને શ્રમજીવી મનોજ નાયકા એ પોતાની જમીનનો કબજો મળે તે માટે ઠેર ઠેર ભટકી રહ્યો છે.

મનોજ નાયકાનો પરિવાર ન્યાય માટે રાહ જોઈ રહ્યો છે. આ બાબતે વિજલપોર પાલિકામાં ઘર બાંધકામ બાબતે કોઈ પણ જાણ ન કરી હોવાની વાત પણ જાણવા મળી છે .

પરમિશન માંગવામાં આવી નથી
છેલ્લાં ચાર વર્ષથી નૂડાની અલગ રચના થતાં વિજલપોરમાં થનાર બાંધકામ અંગેની પરવાનગી નૂડા દ્વારા જ થાય છે. અમારી પાસે આવી પરમિશન માંગવામાં આવી નથી. - શશીભાઈ પટેલ, ચીફ એન્જિનિયર, વિજલપોર નગરપાલિકા

સરકારી કચેરીનાં પગથિયાં ચઢી થાકી ગયો છું
ત્રણ વર્ષથી સાસરે રહેવું પડી રહ્યું છે. મારી વડીલોપાર્જિત જમીન માટે ન્યાયની આશા કોની પાસે રાખું? છેલ્લા બે વર્ષથી ન્યાય માટે સરકારી કચેરીના પગથિયાં ચઢી થાકી ગયો છું. - મનોજ નાયકા, અસરગ્રસ્ત