1 May 2019

ડિઝાઇન આવતા નવસારી ડેપોનું કામ ફરી શરૂ થશે


નવસારીમાં છેલ્લા 6 માસથી નવા અદ્યતન બનનાર નવસારી એસટી બસ ડેપોનું બાંધકામ ઠપ થઈ જતાં આ કામ ક્યારે થશે તે બાબતે મુસાફરોના પ્ર્ત્યાઘાત આવ્યા બાદ હવે નવા ડેપોની ડિઝાઈનમાં ફેરફાર થવાને કારણે આ કામ અટકેલું હતું. હવે નવી ડિઝાઈન આવી જતાં બાંધકામની કામગીરીને વેગ મળશે તેવી માહિતી મળી હતી.

નવસારી એસટી ડેપો જર્જરિત થવાથી બે વર્ષ પહેલા જગ્યા પર આશરે 100 કરોડના ખર્ચે નવા બનનાર એસટી ડેપોનું ખાતમુહૂર્ત થયુ હતું. બાદમાં બાંધકામની કામગીરી શરૂ થઈ હતી. દોઢ વર્ષ કામગીરી થયા બાદ ડેપોનું બાંધકામ ઠપ થયું હતું. આ બાબતે મુસાફરોએ નવા ડેપોનું બાંધકામ ક્યારે થશે તે અંગે પૂછપરછ કરતા હતા. જેમાં બાંધકામ એજન્સી દ્વારા ડેપોના ડિઝાઈનમાં ફેરફાર અને સુધારાવાળું ડ્રોઈંગ ન આવવાને કારણે બાંધકામની કામગીરી બંધ હતી.

કામચલાઉ ડેપો પર બે અકસ્માત થયા હતા
જૂના ડેપો પરથી જગ્યાએ કામચલાઉ ડેપો બન્યો છે. જ્યાં તા.4 જાન્યુઆરીએે બસ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. મહિના બાદ બસના ડ્રાઇવરે બસ રિવર્સમાં લેતા દિવાલ તોડી નાંખતા બે જણા બચી ગયા હતા. આ ઘટનામાં એક બાઇક તથા રિક્ષાને નુકસાન થયું હતું.

નવી ડિઝાઈન આવી જતાં કામકાજ ચાલુ થશે
કામ કેટલા મહિનાથી બંધ હતું તેની મને ખબર નથી. બે માસ પહેલા જ મારી પોસ્ટિંગ થઈ છે. ડ્રોઈંગમાં ફેરફારને કારણે કામ બંધ હતું જે નવી ડિઝાઇન આવી જતાં કામકાજ ચાલુ થઈ જશે. - પરેશ પટેલ, ડેપ્યુટી ઈજનેર, બાંધકામ વિભાગ વલસાડ એસટી વિભાગ

બાંધકામમાં વિલંબ થયો છે
ટેકનિકલ ફેરફાર થયો હતો, જેમાં હવે સુધારીને નવી ડિઝાઇન આવી ગઇ છે. અમે જૂના સ્ટાફને બોલાવવાની કામગીરી શરૂ કરી છે. તેઓ આવી જશે અને 10 તારીખથી કામ શરૂ થશે. બાંધકામમાં વિલંબ થયો છે અને ચોમાસુ પણ આવવાનું હોય કામ બમણી ગતિએ ચલાવીશું. -  નરેન્દ્રભાઈ, પ્રોજેકટ મેનેજર, નવસારી ડેપો સાઇટ