3 May 2019

નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે ક્યાં તો શાળા છોડવી પડશે : વિદ્યાકુંજ શાળા સંચાલકો


નવસારીમાં આવેલા અંગ્રેજી માધ્યમની વિદ્યાકુંજ શાળામાં ધો. 1થી 8નું વાર્ષિક પરિણામમાં 40થી 50 વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયમાં નાપાસ થયા હતા. તેમના વાલીઓને બોલાવીને શાળા સંચાલકોએ તેમના સંતાનોને આ શાળામાં ભણાવો અથવા એલ.સી લઈ જવાનું જણાવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે ઘટનાસ્થળે પોલીસ પણ ધસી આવી હતી. જોકે વાલીઓની રજૂઆત બાદ શનિવારે બોલાવ્યા હોવાનું જાણવા મળે છે.

વિદ્યાકુંજમાં હાલ ધો. 1થી 8માં 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં જે વિદ્યાર્થીઓનું પરિણામ નબળું હોય તેમના વાલીઓને આજે ગુરુવારે આચાર્યએ શાળામાં બોલાવ્યા હતા અને તેઓને બાળકોના પરિણામો આપ્યા હતા. આચાર્યએ બાળક અભ્યાસમાં નબળું હોય તેમને શાળામાં ભણાવવા માંગતા હોય તો રિપિટરનું ફોર્મ ભરો અથવા એલસી લઇ જાવ તેમ જણાવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે ઘટનાસ્થળે પોલીસ પણ ધસી આવી હતી. વાલીઓએ મચાવેલા હોબાળા બાદ સંચાલકોએ અમુક વાલીઓને શનિવારે મળવા બોલાવ્યા હોવાની માહિતી મળી છે.

બાળકો છેલ્લા બે દિવસથી રડી રહ્યા છે શાળાનું પરિણામ ખરાબ આવશે તેથી અમારા બાળકોને નાપાસ કરાયા છે. કેટલાક બાળકો છેલ્લા બે દિવસથી રડી રહ્યા છે, હતાશ થયા છે. તેમના કુમળા મન પર કેવી લાગણી થશે અને તેઓ લઘુતાગ્રંથીથી પીડાતા થઈ જશે. તેમણે એક ચાન્સ આપવો જોઇએ. - શશીકાંતભાઈ, વાલી 

શિક્ષકો કેમ ધ્યાન આપતા નથી
બાળકને પાછા તે જ ધોરણમાં મૂકીએ અને પાછા નાપાસ થાય તેની જવાબદારી કોની ? શાળામાં દર 6 માસે ટીચર બદલાય, બાળક અભ્યાસમાં ધ્યાન આપી શકતું નથી. નબળો વિદ્યાર્થી હોય તો તેના પર કેમ શિક્ષકો ધ્યાન આપતા નથી.  રઝાકભાઈ, વાલી

6થી 14 વર્ષના બાળકે નાપાસ ન કરી શકાય
મારી પાસે કોઈ ફરિયાદ કે અરજી આવી નથી. RTE કાયદા હેઠળ 6થી 14 વર્ષ સુધીના બાળકોને નાપાસ જાહેર કરી શકે નહીં. જો કોઈ શાળા સરકાર ના RTE કાયદાનો ભંગ કરતી હોય તો અમને ફરિયાદ કરે તો અમે ફરિયાદને આધારે નોટીસ આપીશું.   આર.એમ. ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી, નવસારી

પહેલા પેનથી લખ્યું હતું પરંતુ
જે વિદ્યાર્થીઓ નબળા હતા તેમના વાર્ષિક પરિણામમાં પહેલા આગળના ધોરણમાં જાય છે તેવું પેનથી લખ્યું હતું પરંતુ પાછળથી તેના ઉપર વ્હાઇટનર મારી દેતા વાલીઓ અક્ળાયા હતા કે પહેલા પાસ કરેલા અને ફરી કેમ નાપાસ જાહેર કર્યા. આ બાબતે વાલીઓ શાળાના સંચાલકોની મેલી મથરાવટી જોતાં હતા.

રિપીટ થાઓ અથવા શાળા બદલો
નબળા વિદ્યાર્થીઓને કે જે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી શકે તેમ ન હોય તેમના વાલીને બોલાવી તે જ ધોરણમાં અભ્યાસ કરે અથવા બીજી શાળામાં અભ્યાસ કરાવવા જણાવ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓના ઘરે અંગ્રેજી માધ્યમ સમજી શકે તેવા વાલીઓ ન હોય, વાલીઓનો અંગ્રેજી માધ્યમનો ક્રેઝ અને ટ્યૂશનમાં બાળક અભ્યાસ કરતું નથી જેથી પાયો કાચો રહી જાય છે. - પ્રવિણ દેસાઇ, ટ્રસ્ટી, વિદ્યાકુંજ શાળા