5 May 2019

નવસારીમાં જર્જરિત મકાનનો સ્લેબ તૂટતાં બાળકોનો બચાવ, કાર-બાઈકને નુકસાન


નવસારીના વોર્ડ નં. 10માં આવેલા ટાપરવાડ વિસ્તારમાં સાંજે 4.20 વાગ્યાના સુમારે અચાનક જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડતાં મકાન પાસે મુકેલી કાર અને બાઇકને નુકસાન થયું હતું, જ્યારે ત્યાં રમતા બાળકોનો બચાવ થયો હતો. ઘટના બનતા ફાયરબ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

નવસારીના વોર્ડ નં. 10ના ટાપરવાડ વિસ્તારમાં અબ્દુલ રસીદ મલેકનું મકાન આવેલું છે. જેમાં નુરીબેન તેના સાવકા પુત્ર અક્રમ મલિક તથા પરિવાર સાથે રહેતી હતી. આ મકાન ઘણા વખતથી જર્જરિત હોય અક્રમ અબ્દુલરસીદ મલિક તેમના પરિવારને લઈને નજીકમાં આવેલા કાગદીવાડ ખાતે આશરે 6 માસ પહેલા રહેવા ગયો હતો. હાલ આ જર્જરિત મકાનમાં તેમની સાવકી માતા નુરીબેન મલેક (ઉ.વ. 60) એકલા રહે છે. તેઓ મકાનના પ્રથમ માળે રહેતા હોય આજે બપોરે 4.20 વાગ્યાના સુમારે તેમના ઘરના પાછળ આવેલી ગેલેરી તૂટી પડતા તેની નીચે પાર્ક કરેલી કાર (નં. GJ-21-M-6111) અને બાજુમાં પાર્ક કરેલી એક બાઇક ઉપર સ્લેબ પડતા બંને વાહનોને નુકસાન થયું હતું.

એ સમયે નીચે 10થી 15 બાળકો રમતા હોય સ્લેબ પડવાનો અવાજ સંભળાતા તેઓ ત્યાંથી ભાગી છૂટયા હતા. આ ઘટના અંગે મહોલ્લાના લોકોએ જણાવ્યું હતું કે અગાઉ 6 માસ પહેલા પણ આ જ મકાનની ગેલેરી તૂટી પડી હતી. જેમાં સામે રહેતા રિક્ષાચાલક ઈરફાન શેખ અને તેમનો પુત્ર બચી ગયાનું જણાવ્યું હતું. આ ઘટના બાબતે મોડી સાંજે માલિક નુરીબેન મલિક નવસારી ટાઉન પોલીસે જાણ કરવા આવ્યા હતા. નવસારી ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી હતી.

અવાજ આવતા હું બહાર નીકળી
અચાનક સાંજે 4.20 ક્લાકના સુમારે અવાજ આવતા હું બહાર નીકળી હતી અને જોયુ તો સામે રહેતા નુરીચાચીના ઘરના માળનો સ્લેબ તૂટી પડ્યો અને નીચે મુકેલી કાર અને બાઇક દબાઈ ગઈ હતી અને હું ગભરાઇ ગઈ હતી અને લોકોને જાણ કરી હતી. - ઇબાબેન, ફર્સ્ટ પર્સન

હંમેશાની જેમ કાર મુકી હતી
આજે બપોરે ઘરે જમવા આવ્યો અને મેં મારી કાર મારા ઘરની સામે આવેલા ઘરની સામે હંમેશાની જેમ મૂકતો હતો ત્યાં મૂકી હતી. ઘરેથી ધંધા પર જવાનો જ હતો અને ત્યારે જ મને મહોલ્લાના લોકો એ જણાવ્યું કે તમારી કાર ઉપર સ્લેબ પડતાં નુકશાન થયું છે. - અબ્દુલ્લા શેખ, કારના માલિક-સ્થાનિક

જર્જરિત ઘરમાં રહેવાનું કોને પસંદ?
મારો સાવકો પુત્ર તેના પરિવાર સાથે આશરે 6 માસ પહેલા જર્જરિત મકાનથી કંટાળી અલગ ફ્લેટ લઈને રહે છે. હું વૃદ્ધ છુ, કામ થતું નથી. પાડોશીઓ મને જમવાની સગવડ કરી આપે છે. જર્જરિત ઘરમાં રહેવાનુ કોને ગમે? મારૂ કોઈ નથી! - નુરીબેન મલિક, અસરગ્રસ્ત

શહેરમાં અતિ ભયજનક 12 મકાનો
નવસારી શહેરમાં જર્જરિત મકાનોનું સર્વે કરવાની કામગીરી દર વરસે ચોમાસા પહેલા કરવામાં આવે છે. નગરપાલિકા પાસેથી પ્રાપ્ત વિગત મુજબ હાલ નવસારી શહેરમાં અતિ જર્જરિત કહી શકાય તેવા 12 જેટલા મકાનો આવેલા છે અને તેમને નોટીસ આપવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવાનું જણાવ્યું હતું.

જર્જરિત મકાન તોડવાની કામગીરી કરાશે...
ટાપરવાડમાં શનિવારે જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પાડવાની ઘટના સામે આવતા મોડી સાંજે નગરપાલિકાના ફાયર ફાઇટર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તેમણે જણાવ્યુ કે આ જર્જરીત મકાન કાલથી તોડવાની કામગીરી શરૂ કરાવીશું.