6 May 2019

જિલ્લાનાં 4 શહેરમાં 12ના બદલે 20 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે


રાજ્ય સરકારે તાજેતરમાં જ ગુજરાતના વિવિધ શહેરો, નગરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો તેમજ જુદાજુદા વેપાર-ધંધાને 12 કલાકની જગ્યાએ હવે 17થી લઈને 24 કલાક સુધી ખુલ્લા રાખવા માટે જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. આ સંદર્ભમાં જિલ્લાના નવસારી, વિજલપોર, બીલીમોરા તેમજ ગણદેવી નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી સીધી લેખિત જાણકારી આપવામાં આવી છે,વિજલપોર પાલિકામાં તેની જાણકારી મળી ગઈ છે.

આગામી દિવસોમાં અન્ય નગરપાલિકામાં પણ તે લેખિતમાં મળી જશે. જેમાં નગરપાલિકા વિસ્તારમાં આવતા આ 4 શહેરોમાં હવે 12 કલાકની જગ્યાએ 20 કલાક સુધી દુકાનો સહિત વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આ સમય મર્યાદા 17 કલાકની રહેશે.જેની અમલવારી ગુજરાત સ્થાપના દિવસ 1લી મેથી કરવા સૂચના આપવામાં આવી છે. હોટલ-રેસ્ટોરન્ટ વગેરે સવારે 5થી રાત્રે 11 ખુલ્લા રહી શકે છે.

જોકે ગુજરાત સરકારે અગાઉના કાયદામાં ફેરફાર કરી ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ 2019 બનાવી જાહેરનામુ ગેઝેટમાં પ્રસિદ્ધ કરી દીધુ છે. આ નવા કાયદા અન્વયે હવેથી નવસારી જિલ્લાના પણ નવસારી સહિતના શહેરો બીલીમોરા, વિજલપોર અને ગણદેવીમાં દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો સવારે 6 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી (એટલે કે 20 કલાક) ખુલ્લી રહી શકશે. નવસારી જેવા શહેરો ઉપરાંત સ્ટેટ હાઈવે ઉપર પણ રાત્રે 2થી 6 સિવાયના સમયે દુકાન વગેરે ખુલ્લી રહી શકશે. અહીં ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે રેસ્ટોરન્ટ, હોટલોને નવસારી શહેરમાં 11 વાગ્યે બંધ કરાવી દેવાતી હતી અને ગ્રાહકો 12થી 1 વાગ્યા સુધી ચાલુ રહે એવું ઈચ્છતા હતા. તેથી આ નવા કાયદાથી ફાયદો થશે.

નવસારી શહેરમાં અંદાજિત સાડા ચારથી પાંચ હજાર દુકાન, હોટલ બીલીમોરામાં 1400, વિજલપોરમાં 500 અને ગણદેવીમાં 180થી વધુ સંસ્થાનો છે, જિલ્લાના અન્ય ત્રણ શહેરમાં પણ મોટી સંખ્યામાં છે, તે તમામને આ નવો કાયદો લાગુ પડશે. 

આ જગ્યાએ 24 કલાક ખુલ્લી રહેશે
નવસારી જિલ્લામાં આવેલી કેટલીક જગ્યાએ તો 20 કલાકની જગ્યાએ 24 કલાક દુકાનો વગેરે ખુલ્લી રહેશે. જેમાં નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, એસટી બસડેપો, હોસ્પિટલ અને પેટ્રોલપંપનો સમાવેશ થાય છે.

ગામડામાં 17 કલાક દુકાન ખુલ્લી રહેશે
જિલ્લામાં 390થી વધુ ગામડા છે. ગ્રામ્ય વિસ્તારમાં નવા કાયદા અંતર્ગત દુકાન વગેરે રાત્રે 11થી સવારે 6 વાગ્યા સિવાયના 17 કલાક ખુલ્લા રહી શકશે.

લારીગલ્લા માટે શું?
દુકાન, રેસ્ટોરન્ટ માટે તો 20 કલાક ખુલ્લા રહી શકવાનો કાયદો બન્યો છે પરંતુ નવસારી સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં લારીગલ્લા આવેલા છે. ખાણીપીણીની લારીઓ આવેલી છે. આ લારીઓ માટે સ્થાનિક પાલિકા શું નિર્ણય લેશે ???

વધુ સમય મળતા ફાયદો થશે
રાજ્ય સરકારના નવા કાયદાથી રેસ્ટોરન્ટ, હોટલવાળાને હવે વધુ સમય ધંધાનો મળશે તેથી તેમને સીધો ફાયદો થશે. - કરણ વાધવાણી, હોટલ ચાલક, નવસારી

નવા કાયદા મુજબ અમલવારી કરાવીશું
હાઈવે વગેરે જગ્યાએ તો 24 કલાક પરમિશન લઈને ચાલુ રહે જ છે. નવા કાયદા મુજબ રાત્રિના સમયમાં થયેલો ફેરફાર મુજબ પોલીસ પાસે અમલવારી કરાવીશું. - ડો. ગિરીશ પંડ્યા, જિલ્લા પોલીસવડા, નવસારી

દૂરથી આવનારા લોકોને રાહત થશે
નવસારીમાં મોડી રાત્રે દૂરથી આવનારા લોકો માટે આ નવા કાયદાથી લાભ થશે. મોડી રાત્રિ સુધી હોટલો ચાલુ રહેતા લોકોને તેનો સીધો લાભ મળશે અને તેના કારણે રેસ્ટોરન્ટ અને હોટલના સંચાલકોને પણ ફાયદો થશે. - મિહિર દેસાઈ, નવસારી