7 May 2019

કુદરતી કાંસ પર પાલિકાએ શોપિંગ સેન્ટર બનાવતા વિવાદ


નવસારીમાં જયશંકર પાર્ટીપ્લોટની નજીક પાલિકાએ નિર્માણ કરેલા શોપિંગ સેન્ટર કુદરતી વરસાદી કાંસ ઉપર બનાવી એ ભૂલ છૂપાવવા હવે પાલિકા કાંસનું વહેણ બદલવા નવી વરસાદી ગટર બનાવી રહ્યાનો વિવાદ ઉભો થયો છે.

નવસારીના વોર્ડ નં. 11મા પારસી હોસ્પિટલ સામેના રોડ ઉપર જયશંકર પ્લોટ નજીક પાલિકાએ શોપિંગ સેન્ટરનું બાંધકામ 4-5 વર્ષ અગાઉ કર્યું હતું, જેમાં તૈયાર થયેલી દુકાનોની હરાજી હજી સુધી થઈ નથી. આ શોપિંગ સેન્ટર નીચેથી વરસાદી કાંસ જાય છે પરંતુ આજદિન સુધી મોટો વિવાદ થયો ન હતો. જોકે આ શોપિંગ સેન્ટરની એકદમ નજીક પાલિકાએ વરસાદી બોક્સ ડ્રેઈન ગટર્ બનાવવાની શરૂઆત કરતા મોટો વિવાદ ઉભો થયો છે.

આજે સોમવારે પાલિકાના કોંગી કાઉન્સિલરો સહિત વોર્ડ 11ના અગ્રણી કેટલાક નાગરિકો પાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલને મળ્યા હતા. પ્રમુખ સમક્ષ નવી બનાવાયેલી બોક્સ ડ્રેઈન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ લોકોનું કહેવું હતું કે, પાલિકાએ જે શોપિંગ સેન્ટર બનાવેલ છે તે એક તો ખાડી (વરસાદી કાંસ) ઉપર બનાવાયું છે અને ગેરકાયદે છે. આ ગેરકાયદે બાંધકામને છાવરવા હવે ખાડીનું વહેણ બદલવાની તજવીજ હાથ ધરાઈ રહી છે જે પણ કાયદેસર નથી, જેથી નવી બોક્સ ડ્રેઈનનું કામ તાત્કાલિક અટકાવવાની માગ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ-કોંગ્રેસ બંનેના વોર્ડ 11ના પ્રતિનિધિઓએ આ મુદ્દે કલેકટરને પણ રજૂઆત કરી હોવાની જાણકારી મળી છે.

પોલિસી બદલાતા હરાજીમાં વિલંબ કાંસ ઉપર બનવાને કારણે પાલિકાના શોપિંગ સેન્ટરની હરાજીમાં વિલંબ થઈ રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે પાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે, આ વાત ખોટી છે. હરાજીની મંજૂરી અંગે સરકારી પોલિસી બદલાવાને કારણે વિલંબ થયો છે. અગાઉ ગાંધીનગર મંજૂરી માટે ગયા હતા, હવે પરત કલેકટરાલયે મામલો આવ્યો છે. નજીકના દિવસોમાં મળી જશે.

રજૂઆતની તપાસ કરીશું
કાંસ ઉપર ગેરકાયદે બાંધકામ થયાની વાત ખોટી છે. આપની રજૂઆત અંગે તપાસ કરાવીશું. - કાંતિભાઈ પટેલ, પ્રમુખ, નવસારી પાલિકા

એકને છાવરવા બીજુ ગેરકાયદે કામ
 એક અનધિકૃત શોપિંગ સેન્ટરના બાંધકામને છાવરવા નવસારી પાલિકા બીજુ અનધિકૃત કામ (કાંસ બદલી નવી ગટર) કરી રહી છે તે બિલકુલ યોગ્ય નથી. - ધવલકીર્તિ દેસાઈ, સ્થાનિક કાઉન્સિલર, નવસારી.

નવી ડ્રેનેજ વધારાની જોગવાઈ
પાલિકા કુદરતી કાંસનું વહેણ બદલવા નવી બોક્સ ડ્રેનેજ બનાવી રહ્યાનો આક્ષેપ જ્યાં થયો છે ત્યાં પાલિકાના સૂત્રો જણાવી રહ્યા છે કે, હયાત જે કાંસ છે તે યથાવત રહેશે. નવી ડ્રેનેજ એક વધારાની જોગવાઈ છે. વધારે વરસાદની સ્થિતિમાં મુશ્કેલી ન પડે તે માટેની નવી વ્યવસ્થા છે.