9 May 2019

નવસારીના પાણી માટે 20 વર્ષમાં પહેલીવાર પોલીસ પહેરો


નહેરના પાણી માટે ચાલી રહેલી ભારે ખેંચતાણ વચ્ચે નવસારી શહેરને પૂરતું પાણી મળે તે માટે ઈંટાળવા તથા હાંસાપોર કેનાલ દરવાજા પાસે પોલીસ બંદોબસ્ત મુકવાની ફરજ પડી છે. નવસારીમાં પાણી યોજના શરૂ થઈ ત્યારથી 20 વર્ષમાં પ્રથમવાર આ સ્થિતિ સર્જાયાનું જાણકારો જણાવી રહ્યા છે. આ ઉપરાંત પાણીની ચોરી ન થાય તે હેતુથી સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.

ઉકાઈ-કાકરાપાર કેનાલનું પાણી નવસારી શહેરના બે તળાવ દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં ઠાલવી ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી મીઠુ પાણી પાલિકા શહેરીજનોને છેલ્લા 20 વર્ષથી પુરું પાડી રહી છે. આમ તો નહેર ખાતાના નિર્ધારિત રોટેશનમાં નહેરનું પાણી નવસારી પાલિકાને તથા નજીકના ગામોની કેટલીક જૂથ પાણી યોજનાને પાણી આપવામાં મોટી મુશ્કેલી પડતી ન હતી પરંતુ હાલના સમયમાં ઉકાઈ ડેમમાં પણ પાણી ખૂબ જ ઓછુ થઈ જતા નવસારી શહેરને પણ પૂરતું પાણી આપવામાં ફાંફાં પડી રહ્યા છે. નહેરના ઓછા પાણી સામે માગ ખુબ જ વધુ હોવાથી નહેરનું પાણી બધાને વહેંચીને આપવામાં તંત્રને મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિમાં જો નહેરના દરવાજા કોઈ ખોલી ન જાય તે માટે નહેર વિભાગે 'પોલીસ'નો પણ સહારે લેવો પડ્યો છે.

નહેર વિભાગ માટે ઈંટાળવા અને હાંસાપોરનો પોઈન્ટ 'સેન્સીટીવ પોઈન્ટ' ગણાય છે. હાંસાપોરથી તો કેનાલનું પાણી નવસારીના તળાવો માટે પણ ડાયવર્ટ કરાયું છે. હાંસાપોરથી આગળ પશ્ચિમે ગામડાની પાણી યોજના માટે પણ નહેરનું પાણી જાય છે. જેથી આ નહેરના પોઈન્ટે કોઈ દરવાજા ખોલી ન જાય, પાણી વેસ્ટેજ ન જાય અને અન્ય હેરાનગતિ ન થાય તે માટે નહેર વિભાગે પોલીસનો સહારો લીધો છે. પોલીસ કેટલોક સમય બંદોબસ્તની રૂએ હાજર રહે છે તથા અવારનવાર પણ પેટ્રોલિંગ કરે છે. નવસારી શહેરના પાણી માટે કેનાલ પોઇન્ટે 20 વર્ષમાં પ્રથમવાર પોલીસ મુકવો પડ્યાનું જાણવા મળ્યું છે. હાલ નવસારી ટાઉનથી 2, વિજલપોરથી 2 અને ગ્રામ્ય પોલીસ મથકના 2 પોલીસકર્મીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમની સાથે સિંચાઈ વિભાગના અધિકારી તથા કર્મચારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાયા છે.

નહેર વિભાગનું પણ સતત પેટ્રોલિંગ
જ્યાં નહેરના પાણી માટે પોલીસનો સહારો લેવો પડ્યો છે ત્યાં નહેર વિભાગે પણ પેટ્રોલિંગ વધારી દીધુ છે. નહેર વિભાગના કર્મચારી-અધિકારીઓની ટીમ નહેર જ્યાંથી પસાર થાય છે તથા જ્યાં મહત્ત્વના પોઈન્ટ છે ત્યાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. આયોજન મુજબ નહેરનું પાણી લાભાર્થીઓને મળે તે નિશ્ચિત કરી રહી છે.

વિજલપોરનું તળાવ ભરી આપવા સામે કોઇ ખુલાસો નથી
નવસારી શહેરના પાણી યોજનાના તળાવો ભરી આપવાની તો નહેર વિભાગે ખાતરી આપી છે પરંતુ વિજલપોર શહેરની પાણી યોજના પણ હવે કાર્યરત કરવાની પાલિકા તંત્રે તૈયારી કરી છે અને તેને માટે પણ નહેરના પાણીની જરૂરિયાત પડશે. શું વિજલપોરનું તળાવ વર્તમાન નહેરના રોટેશનમાં ભરાશે ખરું?

નવસારીના તળાવ ભરાઈ જશે
આમ તો નવસારીને નિર્ધારિત રોટેશન મુજબ 1લી મેથી નહેરનું પાણી મળનાર હતું પરંતુ ચીખલી-વલસાડ તરફ પાણી વધુ જતા થોડુ મોડુ થયું છે. બે ત્રણ દિવસના વિલંબ બાદ નહેરનું પાણી ધીમી ગતિએ નવસારીના તળાવમાં આવતું હતું. આજે 8મી તારીખ છે, હજુ તળાવ ઘણાં ખાલી છે. 10મી સુધીના રોટેશનમાં તળાવ ભરાય એવું લાગતું નથી. જોકે નહેર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ નવસારીના તળાવ ભરી આપવામાં આવશે.

નહેરના અનેક પોઈન્ટે પોલીસ પેટ્રોલિંગ
નહેર વિભાગના માત્ર હાંસાપોર સ્થિત પોઈન્ટે જ પોલીસ પેટ્રોલિંગ યા પહેરો ભરાતો નથી પરંતુ નહેર જ્યાંથી આવે છે એ ઈંટાળવા નજીક, સિસોદ્રા હાઈવે નજીક તથા અન્ય સ્થળોએ પણ પોલીસ પેટ્રોલિંગ સતત કરી રહ્યાની જાણકારી મળી છે. એટલે કે નાગધરા મુખ્ય નહેરથી ગાંધીસ્મૃતિ ફાટક સુધી પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. જેથી પાણીની ચોરી કે વ્યય અટકાવી શકાય.

કોઇ દરવાજા ખોલીન જાય અને ઘર્ષણ ન થાય તે જરૂરી
નહેરના પાણીની ક્રાઈસીસ છે ત્યારે નહેરના કેટલાક સેન્સીટીવ પોઈન્ટે કોઈ દરવાજા ખોલી ન જાય, હેરાનગતિ ન કરે અને ઘર્ષણ ન થાય તે માટે પોલીસનો સહારે લેવો પડ્યો છે. પાણીનો બગાડ ન થાય તે પણ જરૂરી છે. - રાજેન્દ્ર રાઠોડ, કાર્યપાલક ઈજનેર, અંબિકા ડિવિઝન