10 May 2019

નવસારી જિલ્લાનું ધો. 12 વિજ્ઞાનપ્રવાહનું 5 વર્ષમાં નીચું 67.11 ટકા પરિણામ


ગુરૂવારે ગુજરાત રાજય શિક્ષણ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.9 ટકા જાહેર થયું હતું, જેમાં નવસારી જિલ્લાનું 67.11 પરિણામ રહ્યું હતું.જે છેલ્લા પાંચ વર્ષ ની સરખામણીએ સૌથી નીચું પરિણામ છે ગત વર્ષે 2018 માં નવસારી જિલ્લાનું 69.19 ટકા પરિણામ જાહેર થયું હતું. હાલનું પરિણામ જોતાં જિલ્લામાં 12 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કરવાની સિધ્ધિ મેળવી છે. જિલ્લામાં નવસારી કેન્દ્રનુ 78.88 ટકા સૌથી ઊચું અને વાંસદા કેન્દ્રનું 52.65 ટકા સૌથી નીચું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં 3 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવીને ઝળહળતી સિદ્ધિ મેળવી હતી. જિલ્લામાં સૌથી વધારે એ1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 8 વિદ્યાર્થીઓ એબી સ્કૂલના છે.

નવસારી જિલ્લામાં આજે ગુરૂવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું બોર્ડનું પરિણામ જાહેર થયું હતું. છેલ્લા ઘણાં વખતથી વિદ્યાર્થીઓ અને વાલીઓના પરિણામ રાહ જોઈને બેઠા હતા. આજે તેમની આતુરતાનો અંત આવી ગયો હતો અને પરિણામ જાહેર કરાયું હતું. જેમાં નવસારી જિલ્લામાં બોર્ડમાં 4851 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 4831 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેમાં 3242 પાસ થયા હતા, 1589 વિદ્યાર્થીઓ નાપાસ થતાં જિલ્લાનું પરિણામ 67.11 ટકા આવ્યું હતું. જેમાં એ1 ગ્રેડ માં 12 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને એ2 માં 136,બી1 માં 335, બી2માં 547, સી1માં 874, સી2માં 1094 વિદ્યાર્થી પાસ થયા હતા. ડીમાં 244 અને નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 1589 હતી.

નવસારી જિલ્લામાં જાહેર થયેલા ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા ધરાવતી શાળાઓ 3 અને 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 7 રહી હતી. નવસારીમાં જાહેર થયેલ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતા એ1 ગ્રેડ ધરાવતા 8 વિદ્યાર્થીઓનું એબી સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં પ્રથમ નવસારીની એબી સ્કૂલની ખુશી મનીષ દોશી આવતા જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે તેમનું પણ સન્માન પણ કરવામાં આવ્યું હતું. 


કમ્પ્યૂટર સાયન્સ અથવા IIT માં આગળ ભણવું છે
જીવનમાં હંમેશા ખુશ રહીને કોઈ પણ ટેન્શન વગર કોઈપણ પરીક્ષા આપી છે. સ્માર્ટ ફોનનો મર્યાદિત ઉપયોગ વાલીનું માર્ગદર્શન હમેશા ફળ્યું છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, રિયાલિટી શો જોઈ વાંચનનું ટેન્શન હળવું કરતી હતી. મને ધોરણ 12 પછી કમ્પ્યૂટર સાયન્સ અથવા આઈઆઈટીમાં પ્રવેશ લઈ આગળ વધવું છે. - ખુશી દોશી, જિલ્લામાં પ્રથમ