12 May 2019

રિક્ષાએ ટક્કર મારતાં ટ્રાફિક બ્રિગેડની મહિલાને ઈજા


નવસારીમાં શનિવારે ટ્રાફિક વ્યવસ્થા સાચવતી વખતે મહિલા પોલીસ કર્મીને રિક્ષાચાલકે ટક્કર મારી હતી. જેથી આ મહિલા પોલીસ કર્મીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જાનના જોખમે ફરજ બજાવતા પોલીસકર્મીઓની સુરક્ષા ઉપર સવાલ ઉભા થયા છે. જ્યાં સર્કલવાળા વિસ્તાર હોય ત્યાં ટ્રાફિક પોઈન્ટની છત્રી બનાવીને પોલીસને સુરક્ષિત કરવા પોલીસકર્મીઓમાં માગ ઉઠી છે.

શનિવારે બપોરના સુમારે ગોલવાડ ચાર રસ્તા પાસે પોલીસકર્મી સુનિતા દુર્લભ ટ્રાફિક સંચાલન કરતી હતી. એ સમયે અચાનક રિક્ષા (નં. GJ-21-H-5673)ના ચાલકે પૂરઝડપે રિક્ષા હંકારી લાવી ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી સુનીતાબેનને ટક્કર મારી હતી. તેમને માથા તથા શરીરના ભાગે ઈજા પહોંચતાં પ્રથમ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે યશફીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નવસારી ટાઉન પોલીસ મથકમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં આગળની તપાસ પોલીસ કરી રહી છે.

નવસારી શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થાનો પ્રશ્ન પહેલાથી જ વિકટ બન્યો છે ત્યારે પોલીસના લોકદરબારમાં ટ્રાફિકનો પ્રશ્નના ઉકેલ માટે છેલ્લા 4 વર્ષથી ટ્રાફિક એજ્યુકેશન બોર્ડ દ્વારા ટ્રાફિક બ્રિગેડ બનાવામાં આવ્યું છે. જિલ્લામાં 127થી વધુ ટ્રાફિક બ્રિગેડના કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે.

નવસારી શહેરમાં ટ્રાફિકના સુચારુ સંચાલન માટે ટ્રાફિક બ્રિગેડનાં કર્મીઓ સાથે નવસારી શહેરનો પોલીસ સ્ટાફ પણ હોય છે. નવસારીમાં ઘણા સર્કલો આવેલા છે. સર્કલની વચ્ચે ઉભા રહીને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકનું નિયંત્રણ થઇ રહ્યું છે પરંતુ નવસારીમાં ઘણાં સર્કલો સરખા ન હોય ટ્રાફિકકર્મીઓએ ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે બાજુમાં ઉભા રહી ટ્રાફિક સંચાલન કરે છે તેના બદલે 10 વર્ષ પહેલા ટ્રાફિક પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં ઉભા રહી ટ્રાફિક ના પોલીસકર્મીઓ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરી એમ છે. નવસારીમાં 9થી વધુ એવા સર્કલો આવ્યા છે, જ્યાં ટ્રાફિક પોઈન્ટ માટે છત્રી મૂકીને ત્રણે ઋતુ દરમિયાન રક્ષાણ મેળવી શકે અને દુરથી આવતા વાહનો પર દેખરેખ રાખી શકે એમ છે, નવસારીમાં ટ્રાફિક પોઈન્ટ બનાવે તો પોલીસકર્મીઓ અકસ્માતથી બચી શકે એમ છે. 

9 જગ્યાઓ ઉપર ટ્રાફિક પોઈન્ટ બનાવી શકાય
નવસારીમાં ટાવર વિસ્તાર, ગોલવાડ, જુના થાણા, લુન્સીકૂઈ, ખાટકીવાડ, ઉસ્માની ચીકન ત્રણ રસ્તા પાસે, સાંઢકૂવા ફાયર સ્ટેશન પાસે, રેલવે સ્ટેશન પાસે અને ફુવારા પાસે ટ્રાફિક પોઈન્ટ બનાવી શકાય એમ છે.

ટાવર પાસેનું સર્કલ કે જ્યાં પહેલાં ટ્રાફિક પોઈન્ટ હતો
ટાવર પાસે સર્કલ પર પહેલા ટ્રાફિક પોઈન્ટ છત્રીવાળું હતું. જેમાં ઊભા રહી ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું સંચાલન કરતા હતા. હવે 10વર્ષથી એક દુકાનનું જાહેરાતનું સ્થળ બની ગયું છે. અહીં ટ્રાફિક પોઈન્ટ બનાવાય તો પોલીસ કર્મીઓ માટે આશીર્વાદરૂપ બની શકે એમ છે.

નવસારીમાં સર્કલો વ્યવસ્થિત નથી
નવસારીમાં સર્કલો વ્યવસ્થિત નથી અને આ સર્કલો નગરપાલિકા દ્વારા સરખા બનાવી આપવામાં આવે તો પ્રશ્ન ઉકેલી શકાય એમ છે. ટ્રાફિક પોઈન્ટ હોવાને લીધે ધ્યાન આપી શકાય છે અને ગરમી, ઠંડી અને ચોમાસામાં વરસાદથી બચી શકે એમ છે. - એચ.એચ.રાઓલજી, પોસઈ, નવસારી જિલ્લા ટ્રાફિક શાખા