17 May 2019

ચાલક પર પહેલાં ખંજવાળનો પાઉડર નાંખ્યો ને પછી મોપેડ ચોરીને ડિકીમાંથી 1.70 લાખ રોકડા લઈ ગયા


જલાલપોર વિસ્તારમાં ફોનેક્ષ ચાલમાં આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર કલ્પેશ રમેશ રાદડીયા તેના પરિવાર સાથે રહે છે અને સુરતથી જથ્થાબંધ સાડી લાવીને તેના પર હેન્ડવર્ક કરવાનું કામ લોકોને મજુરી પર આપે છે અને તેઓને મજુરી ચુકવે છે. મજુરો માટે હેન્ડવર્કની મજુરીનાં નાણાં ચૂકવવાના હોય ગતરોજ 15મી મે એ બપોરના સમયે કલ્પેશ રાદડિયા ફુવારા ખાતે આવેલી ICICI બેંકમાં જઈને મજુરો માટેના મજુરીના નાણા પેટે તેઓએ એટીએમ કાર્ડ અને ખાતામાંથી મળી કુલ રૂ. 1,70,300 રોકડા ઉપાડ્યા હતા.

આ રોકડ તેમને પોતાની એકટીવા બાઈક (નં. GJ-21-BJ-2074)ની ડીકીમાં મૂકી હતી અને ઘરે જતા રસ્તામાં ગીરીરાજ ટોકીઝ પાસે કોઈનો ફોન આવતા બાઈક ઉભી રાખી હતી ત્યારે તેઓ વાતચીતમાં વ્યસ્ત હતા ત્યારે કોઈ ઈસમોએ તેના શરીર પર કોઈ પાવડર નાંખ્યો હતો. તેમને ખંજવાળ આવી હતી. તેથી તેઓ ઘરે ગયા હતા અને બાઈક ઘર પાસે પાર્કિંગ કરી નહાવા માટે ગયા હતા પરંતુ ડીકીમાં મુકેલ પૈસા કાઢ્યા ન હતા. સ્નાન કરી ને બાઈક શોધી હતી પણ આંગણામાં મુકેલ બાઈક ગાયબ હતું અને તેમના ભાઈઓને જાણ કરી હતી શોધખોળ કરી હતી.

બે કલાક બાદ બાઈક જલાલપોરના આંબાવાડી હનુમાનજી મંદિર પાસે મળી આવ્યું હતું પરંતુ બાઈકમાં મુકેલ રોકડા રૂ. 1.70 લાખ મળી આવ્યા ન હતા. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનું જણાતા તેમણે જલાલપોર પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

ત્રણેયે છેક ઘર સુધી પીછો કર્યો
સીસીટીવી ફૂટેજમાં જોતા કલ્પેશ રાદડિયા ગીરીરાજ ટોકીજ પાસે ફોન પર વાત કરતા હતા ત્યારે પાછળથી એક યુવાન હાથમાં પાવડર લઈને કલ્પેશભાઈની પાછળ નાંખી ગયો હતો. થોડી અસર થતા કલ્પેશ રાદડિયાએ બાઈક હંકારી મૂકી હતી. જેથી તેની પાછળ ત્રિપલ સીટ બેસેલ 3 ઈસમોએ કલ્પેશનો પીછો કર્યો હતો. બેવાર આ ખંજવાળથી રાહત મેળવવા શરીરે પાણી પણ નાખ્યું હતું પરંતુ બાઈક સાથે જ હોય આ ઈસમોએ તેનો ઘર સુધી પીછો કર્યો અને કલ્પેશ ખંજવાળથી રાહત મેળવવા ઘરમાં ગયો અને બાઈક ચોરી તેમાં મુકેલ પૈસા કાઢી આ બાઈક આંબાવાડી પાસે મૂકી ગયા હતા.

એક કોલ આવતા હું ઊભો રહ્યો અને...
હું બેન્કમાંથી પૈસા ઉપાડી ઘરે જતો હતો. એક કોલ આવતા હું ઉભો રહ્યો તો કોઈએ મને પાછળ કંઈ નાખ્યું હતું. જેથી મને ખંજવાળ આવતા હું નહાવા ઘરે ગયો હતો. પૈસા ડીકીમાં હતા. બાદમાં એકટીવા ગુમ હતું જે 2 કલાકની શોધખોળ બાદ મળ પણ પૈસા ન હતા. - કમલેશ રાડદીયા, ભોગ બનનાર

ચોરોની આ નવી ટેક્નિક સામે આવી છે
કમલેશભાઈ બહેનોના પગાર માટેના પૈસાબેન્કમાંથી લઈને આવતા હતા ત્યારે કોઈ પાવડર નાંખી એકટીવા ચોરી ગયા હતા. મોપેડ તો મળ્યું પણ પૈસા ગુમ હતા. ચોરોની આ નવી ટેક્નક સામે આવી છે. CC ફૂટેજના આધારે તપાસ ચાલુ છે. - એમ.બી. રાઠોડ, પીએસઆઈ, જલાલપોર