18 May 2019

નવસારી ફુડ વિભાગની વિજલપોરની કેન્ડી ફેક્ટરીમાં તપાસનો ઘમઘમાટ


નવસારી ફુડ વિભાગ દ્વારા વિજલપોરની કેન્ડી ફેક્ટરીમાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ફુડ વિભાગે એક ફેક્ટરીમાંથી કેન્ડીના સેમ્પલો લઇ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હોવાનું જાણવા મળે છે.

નવસારી ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગત ૧૬મીએ ગુરૂવારે વિજલપોરની કેન્ડી ફેક્ટરીઅોમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં વિજલપોરના મારૂતીનગર પાસે આવેલી કેન્ડી ફેક્ટરીમાં તપાસ કરી હતી. જ્યાંથી તેની કેન્ડી બનાવવાની ગુણવત્તા પર શંકા જતા ત્યાંથી દોઢ કિલો ચોકબાર કેન્ડીના સેમ્પલો લીધા હતા. તેમજ કેન્ડી ફેક્ટરીના માલિક પાસે વિજલપોર પાલિકાનું આરોગ્ય લાયસન્સ હતું. પરંતુ ફુડ એન્ડ ડ્રગનું લાયસન્સ ન હતું.

કેટલીય દુકાનો લાયસન્સ વગર ચીજ વસ્તુઓ વેચે છે
વિજલપોરમાં આવી તો કેટલીય દુકાનો છે. જેમાં લાયસન્સ વગર ખાદ્ય ચીજ વસ્તુઓ વેચાણ કરવામાં આવે છે. અને ગુણવત્તા વગરનો માલ સામાનનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. જોકે નવસારી ફુડ એન્ડ ડ્રગ વિભાગ આ બાબતને ગંભીરતાથી લઇ વિજલપોર અને નવસારીની ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી દુકાનોમાં તપાસ હાથ ધરે તો ગુણવત્તા વિનાની ખાદ્ય વસ્તુઓ મળી આવે તેમ છે. સાથે જ લોકોના આરોગ્યને નુકસાન થતું અટકાવી શકાય.