22 May 2019

જિલ્લાનું પરિણામ 67.40 %, સદેવ 98.33 % સાથે રાજ્યમાં પ્રથમ


ધો. 10 (એસએસસી)નું પરિણામની વાટ છેલ્લા કેટલાક દિવસથી વાલીઓ જોઈ રહ્યા હતા. મંગળવારે સવારથી જ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરી દેવાતા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ સવારથી જ પરિણામ જાણી લેતા પાસ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓ પરિણામ લેવા શાળાએ પોતાના બાળકો સાથે પહોંચી ગયા હતા.

મંગળવારે જાહેર થયેલા ધો. 10નુ નવસારી જિલ્લાનું પરિણામ 67.40 ટકા જાહેર થયું હતું, જે ગત વર્ષ કરતા 3 ટકા જ ઓછું હતું. નવસારીમાં ધો. 10નું પરિણામ જોઈએ તો 19381 વિધાર્થીઓ કુલ નોંધાયા હતા. જેમાં 19250 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, 12976 વિધાર્થીઓ પાસ થયા હતા. જેમાં A1 ગ્રેડમાં 146 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. A2 ગ્રેડમાં 688, B1 ગ્રેડમાં 1475, B2 ગ્રેડમાં 2619, C1માં 4413 અને C2માં 3481 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં 100 ટકા ધરાવતી 7 અને 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 5 શાળા નોંધાઈ હતી.

જેમાં નવસારીની ડિવાઈન શાળાનો સદેવ ખલાસીએ 600માંથી 590 માર્કસ એટલે 98.33 ટકા મેળવીને જિલ્લામાં અને રાજ્યમાં પ્રથમ હોવાનું શાળાના સંચાલકોએ દાવો કર્યો છે. નવસારી કેન્દ્રનું સૌથી વધુ 81.47 ટકા જ્યારે ઓછુ ધામધુમા કેન્દ્રનું 50.85 ટકા પરિણામ આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ ધો. 10નું પરિણામ નીચું રહ્યું છે. 2018માં જિલ્લાનું 70.64 ટકા હતું, જે ચાલુ વર્ષે ઘટીને 67.40 ટકા થયું છે.

100 ટકા પરિણામ મેળવનારી શાળાઓ
એ.બી.સ્કૂલ પરતાપોર, એબી સ્કૂલ કાલીયાવાડી, સર જેજે હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમ, સર્વમંગલ વિદ્યાલય વિજલપોર, એમજીવશી હાઈસ્કૂલ ધમડાછા, ઓધવરામ વિદ્યાલય બહેજ ચીખલી, શિરડી સત્યપ્રેમ સાંઈબાબા હાઈસ્કૂલ આટ

મારે મોટા થઇને તબીબ બની સમાજ સેવા કરવી છે
દરરોજ 10 કલાકનું વાંચન કર્યું છે. મારે મેડિકલ ક્ષેત્રમાં જ કારકિર્દી આગળ વધારવી છે. હું ડોક્ટર બનીને સમાજની સેવા કરીશ અને સમાજના નબળા વર્ગ, વૃદ્ધોની સારવાર કરવી છે. મારા માતાપિતાનું સપનું પૂરું કરવું છે. અભ્યાસ દરમિયાન સ્માર્ટ ફોનનો ઉપયોગ કર્યો નથી અને ટીવી પણ જવલ્લે જ જોયું છે. મારી સફળતાનું શ્રેય મારા માતાપિતા તથા શિક્ષકોને આપું છું. - સદેવ ખલાસી, જિલ્લામાં પ્રથમ, ડિવાઈન શાળા

મારો ગોલ હતો સદેવ શાળામાં પ્રથમ આવે
હું વ્યવસાયે શિક્ષક છું અને મારે પહેલાથી જ મારા બાળકને જિલ્લામાં અને શાળામાં પ્રથમ આવે અને ગૌરવ વધારે તેવો ગોલ હતો તે ભગવાને પૂરો કર્યો છે. મારો બાળક આગળ વધી તબીબી ક્ષેત્રમાં જાય અને સમાજ, શાળાનું ગૌરવ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. - આનંદકુમાર ખલાસી, પિતા

30% થી ઓછું પરિણામ ધરાવતી શાળા
અબ્રામા ડી.એચ એન્ડ બીબી માધ્યમિક શાળા, કછોલી મૂંગા બહેરા શાળા, ઉત્તર બુનિયાદી શાળા બારતાડ વાંસદા, વનાંચલ માધ્યમિક અને ઉ.મા.શાળા ઘોડમાળ તા.વાંસદા, નવસારી બનાતવાલા હાઈસ્કૂલ