23 May 2019

50 માઈક્રોનથી ઓછા ગેજની ધરાવતી પ્લાસ્ટિકની કોથળીના 3 વેપારીઓને ત્યાં રેડ


નવસારીમાં પ્લાસ્ટિકની કોથળીનો પ્રતિબંધ છતાં 50 માઈક્રોન ગેજથી નીચેની પ્લાસ્ટિકની કોથળી વેચનારા ત્રણ વેપારી ઉપર નવસારી પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી 541 કિગ્રા પ્લાસ્ટીકની કોથળી કિંમત રૂ. 64920નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 3 વેપારીઓને દંડ પણ કરવામાં આવતા નવસારીના પ્લાસ્ટિકની કોથળી વેચનારા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

50 માઈક્રોનથી નીચે ધરાવતી પ્લાસ્ટિકની કોથળી વેચવા પર પ્રતિબંધ છે છતાં નવસારી પાલિકાનાં નિયમની ઐસી કી તૈસી કરીને પ્લાસ્ટિકની કોથળી વેચતા હતા. જેના ઉપર નવસારી પાલિકાએ લાલ આંખ કરતા બુધવારે નવસારી પાલિકાનાં આરોગ્ય વિભાગના અરુણ પટેલ, વિમલ ટેલર, નિખિલ શાહ તથા સ્ટાફે નવસારી પાલિકાનાં શોપિંગ સેન્ટરમાં આવેલ પ્લાસ્ટિક વેચતી દુકાનોમાં અચાનક રેડ કરી હતી. જેમાં 3 વેપારીઓને ત્યાંથી 541 કિગ્રા પ્લાસ્ટિકની કોથળી કિમત રૂ. 64920 કબજે કરવામાં આવી હતી.

નવસારીમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી ગીતા પ્લાસ્ટિકમાંથી 136 કિ.ગ્રા. કિંમત રૂ. 16320, ટીપટોપ પ્લાસ્ટીકમાંથી 258 કિગ્રા કિંમત રૂ. 30960 અને મારુતિ પ્લાસ્ટિકમાંથી 147 કિગ્રા કિંમત રૂ. 17640 મળી કુલ રૂ. 64920નો મુદ્દામાલ કબજે કરવામાં પાલિકાની આરોગ્ય ટીમને સફળતા મળી હતી. આ ઉપરાંત દરેક વેપારીને રૂ. 1 હજારનો દંડ પણ કરવામાં આવ્યો હતો. નવસારી શહેરમાં 50 માઈક્રોન ગેજથી ઓછી પ્લાસ્ટિકની કોથળી વેચવા પર દિવાળી પહેલાથી જ નવસારી પાલિકા દ્વારા પ્રતિબંધ હતો પરંતુ એક માસ ચૂસ્ત પ્રતિબંધ બાદ પુનઃ પ્લાસ્ટિકની કોથળી વેચવાનું વેપારીઓએ શરૂ કરી દીધું હતું.

ચાવાળાઓનો પ્લાસ્ટિકના કપનો જ વપરાશ નવસારીમાં આવેલી મોટા ભાગની ચા વેચનારા દુકાનદારો પણ પ્લાસ્ટિકના કપના પ્રતિબંધ બાદ કાગળના કપમાં ચા આપતા હતા. છેલ્લા ઘણા સમયથી પાછા પ્લાસ્ટિકના કપમાં ચા આપવાનું શરૂ કરતાં તેના પર પ્રતિબંધ ક્યારે મુકાશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. 

65000ની કિંમતની કોથળીનો જથ્થો કબજે લીધો છે
નવસારી પાલિકા વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાનોમાં 50 માઈક્રોન ગેજથી નીચે પ્લાસ્ટિકની કોથળી વેચતા 17 જેટલા વેપારીને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં 3 વેપારીને ત્યાં નવસારી પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરીને 541 કિગ્રા કિંમત રૂ. 64920નો કોથળીનો જથ્થો કબજે કર્યો હતો.   વિમલ ટેલર, અધિકારી, આરોગ્ય શાખા, નવસારી નગરપાલિકા

વિજલપોરમાં 33 દુકાનોમાંથી પણ 65 કિલો પ્લાસ્ટિકની થેલી કબજે
વિજલપોર પાલિકાએ શહેરમાં બપોર બાદ દુકાનોની ચકાસણી હાથ ધરતાં 65 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો હતો. વિજલપોર પાલિકાના ચીફ ઓફિસર જી. કે. ચાંડપ્પાની સૂચના અનુસાર સેનેટરી ઈન્સ્પેક્ટર મોહન આહીર અને તેમની ટીમે શહેરમાં 50 માઈક્રોનની જાડાઈથી ઓછી બનાવટની પ્લાસ્ટિકની થેલીઓના વપરાશની ચકાસણી હાથ ધરી હતી. શહેરની 33 જેટલી દુકાનોની ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન 50 માઈક્રોનથી ઓછી બનાવટની 65 કિલો પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો મળી આવ્યો હતો. દુકાનદારો પાસેથી વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. મહત્તમ દુકાનોમાંથી પ્લાસ્ટિકની થેલી મળી હતી. શહેરના એક જ વોર્ડમાં ચકાસણી દરમિયાન 65 કિલો જથ્થો મળી આવ્યો હતો.