24 May 2019

નવસારી બેઠક પર સી.આર. પાટીલની હેટ્રિક


નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે સતત ત્રીજી વખત ભારે માર્જીનથી ઐતિહાસિક જીત મેળવીને ભગવો લહેરાવી દેતા ભાજપીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમની આ ઐતિહાસિક જીતને ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને તથા વિજયી સરઘસ કાઢીને વધાવી લીધી હતી. સી.આર. પાટીલ 972739ને મત મળ્યા હતા. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 283071મત મળતા સી.આર. પાટીલની 689668 મતથી ઐતિહાસિક જીત થઈ હતી. દેશભરમાં ભાજપના સાંસદોમાં લગભગ તેમની આ સૌથી મોટા માર્જીનથી મળેલી જીત છે.

નવસારી લોકસભા બેઠક વર્ષ 2009માં ફાળવવામાં આવી હતી ત્યારથી જ આ બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી બેઠક ઉપર સૌ પ્રથમ ભાજપ તરફે સી.આર. પાટીલ અને કોંગ્રેસના ધનસુખ રાજપૂત વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં સી.આર. પાટીલને 4,23,413 અને કોંગ્રેસના ધનસુખ રાજપૂતને 2,90,770 મત મળ્યા હતા. જેના પગલે 1,32,637 મતથી સી.આર. પાટીલનો વિજય થયો હતો. એ પછી વર્ષ 2014માં પણ સી.આર. પાટીલને ભાજપે ચૂંટણી લડાવી હતી. એ વખતે કોંગ્રેસના મકસુદ મિરઝા સામે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં સી.આર. પાટીલને 8,18,367 મત જ્યારે મકસુદ મિરઝાને 2,61,916 મત મળ્યા હતા. આ વખતે પણ દેશમાં સેકન્ડ હાઈએસ્ટ લીડ 5.58 લાખ મતથી જીત મેળવી ભાજપનો ભગવો લહેરાવી દીધો હતો.

હાલ વર્ષ 2019માં કોળીવાદ અને પરપ્રાંતીય હોવાની હવા ઉઠી હતી. કોળી સમાજમાં તમના નામે વિરોધનો સૂર ઉઠ્યો હતો. જેનો લાભ લેવા કોંગ્રેસે સ્થાનિક કોળી ઉમેદવાર તરીકે વિજલપોરના ધર્મેશ પટેલ ઉપર પસંદગી ઉતારી હતી. આ વાતાવરણમાં પણ ભાજપે પુન: સી.આર. પાટીલ ઉપર વિશ્વાસ મુક્યો હતો અને તેમને જ ફરીથી નવસારી લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી માટે મેન્ડેટ આપ્યો હતો. જેને સી.આર. પાટીલે ખરો સાબિત કરી બતાવ્યો હતો. કોળી ફેકટરની આ ચૂંટણી ઉપર કોઈ અસર જોવા મળી ન હતી અને આખરે સી.આર. પાટીલ સતત ત્રીજી વખત હેટ્રીક સાથે નવસારી બેઠક ઉપર ભાજપમાં સૌથી હાઈએસ્ટ લીડ 689668 મતથી મેળવી હતી.

આ આ જીતને ભાજપના કાર્યકરોએ વધાવી લીધી હતી. તેમનું એરૂથી નવસારી સ્ટેશન, શાંતાદેવી રોડ, સાંઢકૂવા, જૂનાથાણા થઈ ગ્રીડ સુધી વિજયી સરઘસ નીકળ્યું હતું. જે મોડી સાંજ સુધી શહેરમાં ફરતા લોકોએ તેમને અભિનંદન આપ્યા હતા.

નવસારી કાર્યાલયમાં ભાજપીઓએ વિશાળ સ્ક્રિન ઉપર વિજય નિહાળ્યો
નવસારીમાં ભાજપ દ્વારા લુન્સીકૂઈ નજીકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે તથા એરૂ ચાર રસ્તા ખાતેના ધારાસભ્ય આર.સી. પટેલની ઓફિસ નજીક મસમોટા વિશાળ સ્ક્રિન ઉપર ચૂંટણીના પરિણામો જાણવા સવારથી જ મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો ભેગા થયા હતા. સવારથી જ સમગ્ર દેશના પરિણામનો ટ્રેન્ડ ભાજપી તરફી શરૂ થતા કાર્યકરો ઝુમી ઉઠ્યા હતા. ‘ફિર એકબાર મોદી ’ના મતદારોના મિજાજથી કાર્યકરોની ખુશી સમાતી ન હતી.

નાસ્તો ન મળતાં બૂથ સંચાલકોનો હોબાળો
ગાંધી કોલેજ ખાતે મતગણતરી થઇ રહી હતી ત્યારે સવારે 9.30 વાગ્યા સુમારે ચા અને નાસ્તાની સગવડ હતી પરંતુ મતગણતરીમાં જોતરાયેલ પોલીંગ એજન્ટો નાસ્તો કરવા આવ્યા હતા ત્યારે નાસ્તો પૂરો થઇ ગયો કે પછી કોઈને હવે નાસ્તો આપવો નહીં તે બાબતે રસોડાનાં સંચાલક સાથે બૂથ પોલીંગ એજન્ટોએ હોબાળો કરવાની ફરજ પડી હતી.