25 May 2019

ફાયર સેફટી : નવસારીની ઘણી હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ ભગવાન ભરોસે


સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે અચાનક ભભૂકી ઊઠેલી આગમાં 30થી વધુ લોકો ફસાઈ ગયા હતા અને 21 જેટલાં બાળકોનાં મોત થયાની ઘટનાએ સૌને હચમચાવી મુક્યા છે. આ કરુણાંતિકાને લઈ હાઈરાઈઝ બિલ્ડિંગમાં કેટલી સેફટી તેવા સવાલો ઊભા થયા છે. નવસારીનાં બિલ્ડિંગોમાં ફાયર સેફટીનાં સાધનો અંગે સવાલો ઊભા થયા છે. તંત્ર વહેલી તકે જાગે અને ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરે તે જરૂરી બન્યું છે.

પાલિકા સત્તાધીશો પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને જરૂરી મંજૂરીઓ આપીને સંતોષ માની લે છે પરંતુ નવસારીમાં બનેલા 50થી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટી અંગે ચેકિંગ કરાયું નથી. સરથાણામાં બનેલી ઘટના બાદ જો નવસારી તંત્ર નહીં જાગે તો ભવિષ્યમાં આવી હોનારત ઘટે તો લોકોના જીવ બચાવવાનું તંત્રને ફાંફાં પડી જશે. હાલ પાલિકાના ફાયરબ્રિગેડના જવાનોની ટ્રેનિંગ અને ઘટનાઓને પહોંચી વળવા ફાયર સેફટીના સાધનો બાબતો સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. ટેકનિકલ સ્કૂલ નજીક એક બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે શહેરમાં ભય ઊભો થયો હતો.

સુરતની ઘટનાના પગલે નવસારીમાં સાવચેતી 
સુરત સરથાણામાં બનેલી દુર્ઘટનાથી શહેર આખું સ્તબ્ધ થઇ ગયું છે. જેના પગલે નવસારીમાં 50થી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટી અંગે ચેકિંગ કરાયું નથી. જો તંત્ર નહીં જાગે તો ભવિષ્યમાં આવી હોનારત ઘટે તો લોકોના જીવ બચાવવા તંત્રને ફાંફાં પડી જશે.

ચેકિંગ કરી સેફટી બાબતે કાર્યવાહી કરાશે
સરથાણાની ઘટનાથી દુ:ખ થયું છે. આવી ઘટના ન બને તે માટે નવસારીમાં પણ ફાયર સેફટી માટે કાર્યવાહી કરવા તાકીદ કરાશે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં ચકાસણી કરાશે.  કાંતિલાલ પટેલ, પ્રમુખ, નવસારી પાલિકા.