28 May 2019

પરિવાર લગ્નમાં ગયો ને સવારમાં 4 લાખની ચોરી


નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલા ગૌરીશંકર મહોલ્લામાં રહેતો પરિવાર માત્ર 3 કલાક જ ઘર બંધ કરી લગ્નમાં ગયો તો તસ્કરો ઘરમાં પ્રવેશી અંદાજે રૂ. 4 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થયા હતા. સવારે 10.30થી 1.30ના અરસામાં રવિવારે તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગૌરીશંકર મહોલ્લામાં રહેતા હેમંતભાઈ છગનભાઈ પટેલ લાઈટીંગ ડેકોરેશનનો ધંધો કરે છે. રવિવારે હેમંતભાઈ દેવસર ખાતે તેમના સ્નેહીજનને ત્યાં લગ્નપ્રસંગ હોય સવારે 10.30 વાગ્યાના સમયે પત્ની તથા બે બાળકો સાથે ઘરના દરવાજાને તાળુ મારી ગયા હતા. તેઓ લગ્નપ્રસંગ પૂરો કરી બપોરે આશરે દોઢેક વાગ્યાના સમયે પરત આવ્યા હતા. આ વખતે હેમંતભાઈને દરવાજાનું તાળુ ખોલી ધક્કો મારતા દરવાજો ખુલ્યો ન હતો. જેથી હેમંતભાઈના દીકરા જયકુમારે પાછળનો દરવાજો, જે બંધ કર્યો હતો તે તપાસ કરવા જતા ખુલ્લો હતો. વધુમાં પાછળના દરવાજાના બારણા તૂટેલા જણાયા હતા.

ઘરમાં કબાટમાં મુકેલો સામાન વેરવિખેર હતો. કબાટના લોકરમાં મુકેલી રોકડ ઉપરાંત લાખોના સોનાના દાગીના ગાયબ હતા. સોનાની હાલની કિંમત મુજબ રૂ. 4 લાખથી વધુની માલમત્તાની ચોરી થઈ હતી. જોકે જલાલપોર પોલીસમાં થયેલી ફરિયાદમાં (સોનાની ખરીદ કિંમત મુજબ) રૂ. 2.08 લાખની માલમત્તાની ચોરી થયાનું જણાવાયું છે.

સીસીટીવી ચેક કરી રહ્યા છે.
ચોરીના ઘટના સંદર્ભે સીસીટીવીના નજીકના વિસ્તારોમાં મળતા ફૂટેજ તથા શકદારોને પણ ચેક કરી રહ્યા છે. હાલ તપાસ ચાલુ છે. - એચ.પી. ગરાસિયા, પીએસઆઈ, જલાલપોર પોલીસ

સિમેન્ટની બારી તોડી ઘરમાં પ્રવેશ
તસ્કરો ઘરમાં પાછળનો દરવાજો પણ લોખંડનો હોય ત્યાંથી પ્રવેશવું સરળ ન હતું. જેથી પાછળે દિવાલમાં ફીટ કરેલી સિમેન્ટની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.

તસ્કરો શું-શું ચોરી ગયા
રોકડ રૂ. 12 હજાર, સોનાની વીટી 10 નંગ, સોનાના કંગન 1 જોડી 15 ગ્રામ, બીજી જોડી કંગનની 21.490 ગ્રામ, સોનાનો લેડીઝ સેટ 33 ગ્રામ, સોનાનું લુઝ 2 નંગ, સોનાની ચેઈન 3 નંગ, સોનાની કાનની બુટ્ટી નંગ 4 અને સોનાના 2 લોકેટ વગેરે સામગ્રી ચોરી ગયા હતા.

હું સામેનાં ઘરે જ હતો
ગતરોજ મોટાભાઈનો પરિવાર સવારે લગ્નમાં ગયો અને હું મારા માતાપિતાનું ઘર સામે જ છે ત્યાં હતો. ચોરી થઇ તે સમયે હું સામેના ઘરે હતો. મને ખબર જ ન પડી. 3 કલાક બાદ પરિવાર આવ્યો અને બારણું ખોલવા ગયા તો બંધ હતું.પાછળ જઈને જોયું તો બાથરૂમ પાસે બારી તૂટેલી હતી. બાળકો આગલા રૂમમાં જતા ડરી રહ્યા છે. - ધર્મેશ પટેલ, ભોગ બનનારનો નાનોભાઈ

15 દિવસમાં 15 ચોરી
  • મીથીલાનગરીમાં બે બંધ ઘરના તાળા તૂટતાં 24 હજારની ચોરી 
  • ધારાગીરીમાં યોગીરાજ એપાર્ટમેન્ટમાં 50 હજારની ચોરી 
  • કાલીયાવાડી જીવનધારા એપાર્ટમેન્ટમાં ત્રણ ફ્લેટમાં ચોરી 
  • કબીલપોરની જલતરંગ સોસાયટીમાં ત્રણ ઘરોમાં ચોરી 
  • કબીલપોરના પંચશીલ સોસાયટીમાં બે ઘરોમાં ચોરી. 
  • મીથીલાનગરીમાં ઘરનું તાળું તૂટ્યું 
  • ગૌરીશંકર મહોલ્લા પાસે બાઈકની ડીકીમાંથી 1 લાખની ચોરી 
  • સાંઢકુવા ચોકીની સામે રચના અપાર્ટમેન્ટમાં બે લાખની ચોરી 
  • જલાલપોરમાં 2 લાખની ચોરી.