29 May 2019

નવસારી ડેપોમાં ડ્રાઇવર વિનાની બસે રગડીને રિક્ષાને કચડી


નવસારી એસટી ડેપો ઉપર બપોરે 2.30 વાગ્યાનાં સુમારે અચાનક ડેપોમાંથી બસ આગળ ધસીને ડેપો બહાર ઉભેલી રિક્ષામાં ભટકાઈ હતી. સદનસીબે આ ઘટનામાં બે વ્યક્તિના જીવ બચી ગયા હતા. જયારે રિક્ષાને ઘણું નુકસાન થયું હતું. ઉપરાંત ફળ વેચતી મહિલાનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.

નવસારી ડેપોમાં અવારનવાર અકસ્માતની ઘટનાને પગલે પ્રકાશમાં આવતું રહ્યું છે. અગાઉ નવસારી એસટી ડેપોમાં 3 મુસાફરોને બસચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અડફેટે લઇને મોત નિપજાવ્યા હતા. આ ઘટનાને હજી 5 માસ થયા જેટલો જ સમય થયો છે ત્યાં જ આવી મોટી ઘટના બનતા સદનસીબે રહી ગઈ હતી. સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ નવસારી ડેપોની દાંડીની બસ (નં. GJ-18-Y-8022) નવસારી ડેપો પર પહોંચી હતી. બપોરે 2.35 વાગ્યાનાં સુમારે પ્લેટફોર્મનંબર 9 પરથી પુનઃ કૃષ્ણપુર જવા રવાના થવાની હતી. ચાલક ઉપેન્દ્ર બારોટે બસને પ્લેટફોર્મ ઉપર મૂકીને કંડકટર સાથે ફ્રેશ થવા નીકળ્યા હતા અને ગણતરીની મિનિટમાં બસ આગળ વધવા લાગી હતી અને તે 50 મિટર આગળ વધીને ડેપો બહાર રિક્ષામાં ભટકાઈ ગઈ હતી. બસમાં ચાલક ન હોવાથી સૌ અવાક રહી ગયા હતા. ચાલકે બસ કેવી રીતે મૂકી કે તે આગળ વધી જઈને ઉભેલી રિક્ષામાં ભટકાઈ ગઈ. જોકે રિક્ષામા વચ્ચે ન આવી હોત તો બસ એ કેટલાનો ભોગ લીધો હોત.

ઢોળાવ હોય વાહન આગળ ધસી જાય છે
દિવ્ય ભાસ્કરની ટીમે નવસારી ડેપો પર થયેલા અકસ્માત અંગે રીયાલિટી ચેક કરી હતી. જેમાં નવસારી ડેપો ઢાળવાળો હોય ડેપો પર મુકેલું વાહન આગળના ભાગે ધસી જાય છે. નવસારી ડેપોમાં દાંડીથી આવેલી બસના ચાલકે પણ ડેપો પર બસ રિવર્સ ગિયરમાં મુકી હતી, પરંતુ તે યોગ્ય રીતે કામ ન કરતા બસ ગણતરીની મિનિટોમાં જ આગળ ધપી ગઈ હતી અને અકસ્માતની ઘટના સર્જાઈ હતી. દિવ્ય ભાસ્કરે પણ વાહન મુકી હકીકત જાણવાનો પ્રયાસ કરતા ઢાળ હોવાના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ગાડી ગિયરમાંથી નીકળી જતા આગળ ધપી
ડેપો પર દાંડીથી આવીને કૃષ્ણપુર જવાના હોય ગાડી રિવર્સ કરીને ગિયરમાં મુકી હતી પરંતુ સંજોગોવશાત ગાડી ગિયરમાંથી નીકળી જતા આગળ ધપી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. - ઉપેન્દ્ર બારોટ, બસચાલક

દીવાલ અડી બેસતાં બચી
દિવાલની બાજુમાં બેસી હતી અને બસ આવી ટોપલાને કચડી રિક્ષામાં અથડાઈ. હું દિવાલને અડીને બેસી હતી એટલે બચી. - ફર્સ્ટ પર્સન બાલુબેન દેવીપુજક

ભૂલથી તેમને ગાડી ગિયરમાં મુકી હોય એવું લાગ્યું
ચાલકનું કહેવું છે કે ગાડી રિવર્સ ગિયરમાં હતી પરંતુ ગાડી રિવર્સ ગિયરમાં હોત તો આગળ વધે નહીં. ભૂલથી એમને એવું લાગ્યું અને ઘટના બની હોવાનું અનુમાન છે. તપાસ ચાલી રહી છે. - ધીરૂભાઈ, ઈનચાર્જ મેનેજર, નવસારી ડેપો

નમાજ પઢવા ગયો ને બચ્યો
બપોરે હું નમાઝ પઢવા ગયો ત્યારે અચાનક બસ આવી મારી રિક્ષા સાથે અથડાતા પલટી મારી હતી. અલ્લાહે મારો જીવ બચાવી લીધો. - અલ્તમસ શેખ, રિક્ષાચાલક