30 May 2019

દુકાનમાંથી નજર ચૂકવી બે ઈસમે 25 હજાર તફડાવ્યા


નવસારીના ટાવર પાસે આવેલા વાસણના વેપારીને ત્યાં 2000ના છુટા લેવાને બહાને આવેલા બે તસ્કરોએ ધ્યાન ચૂકવીને દુકાનનાં ગલ્લામાં મુકેલ રૂ. 25 હજાર રોકડા લઇને ફોરવ્હીલમાં ભાગી ગયા હતા. ભરબપોરે બનેલી આ ઘટનામાં પોલીસનો પણ આ તસ્કરોને ડર ન રહ્યો હોવાનું લાગી રહ્યું છે. જો કે આ ઘટનાં સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.

ટાવર પાસે હીરાલાલ શાહની ઓશીયાજી વાસણ ભંડાર નામની દુકાન આવેલી છે. જેમાં સ્ટીલના વાસણોનું વેચાણ કરે છે. બુધવારે બપોરના 2.45 વાગ્યાનાં સુમારે દુકાનેઅજાણ્યો ઇસમ રૂ. 2000ની નોટના છુટા લેવા આવ્યો હતો. હીરાલાલભાઈએ છુટા આપ્યા હતા, ત્યારબાદ અજાણ્યા ઈસમોએ 4 પવાલી માંગી હતી પરંતુ હીરાલાલભાઈ પાસે સ્ટોકમાં 1 જ હોય બીજી પવાલી લેવા ગયા હતા.

તેમની પત્ની હોય પીવા માટે પાણી માંગ્યું હતું પણ તેઓએ સાદું પાણી માંગતા તેમની પત્ની સાદું પાણી લેવા જતા તકનો લાભ લઈ બંને અજાણ્યાએ દુકાનના ગલ્લામાં મુકેલા રોકડા 25 હજાર લઈને ભાગી ગયા હતા. હીરાલાલની પત્ની મંજુષાબેને બુમાબુમ કરી હતી. લોકો તેમનો પીછો કરે એ પહેલા બંને ઈસમો થોડે દૂર રાખેલી કાર લઈ જૂનાથાણા તરફ ભાગી છૂટ્યા હતા. આ ઘટનાની ફરિયાદ નવસારી શહેર પોલીસમાં નોંધાઈ હતી.

પવાલી અને પાણી માગતા અમે અંદર ગયા
મારી પાસે બે યુવાનો જેમાં એકે બ્લેક કલર નો શર્ટ અને 40 વર્ષ ની ઉમરનો અને બીજો યુવાન 35 થી 40 વયનો અને હાથમાં કાળી બેગ, માથે ટોપી સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલો હતો. તેઓએ પહેલા પવાલી માંગી અને ત્યારબાદ મારી પત્ની પાસે સાદું પીવાનું પાણી માંગ્યું અને નજર ચૂકવીને મારા ધંધાનાં 25 હજાર રોકડા ચોરી કરી ભાગી ગયા હતા. - હીરાલાલ શાહ, ભોગ બનનાર