7 May 2019

નવસારી હાઈવે પર હોટલનાં કર્મચારીઓએ કબીલપોરનાં યુવકને રૂમમાં પૂરી માર માર્યો


નવસારી હાઈવે નં 48 પર આવેલી ન્યુ સરોવર કાઠિયાવાડી હોટલમાં જમવાનાં બિલ બાબતે રકઝક થતા હોટલનાં કર્મચારી અને માલિકોએ યુવકને એક રૂમમાં પૂરી માર માર્યો હતો. આ બાબતની જાણ કબીલપોર બજારમાં પ્રસરતા બીજે દિવસે 150 થી 200 યુવકો સાથે મળી હોટલ પર ગયા ત્યારે માલિક અને કર્મચારીઓ ઘાતક હથિયાર લઈ બહાર આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

નવસારી કબીલપોર વિસ્તારમાં ને. હાઈવે નં. 48 પર આવેલી ન્યુ સરોવર કાઠિયાવાડી હોટલમાં તા. 4 નાં રોજ રાત્રે ચોવીસીનાં માજી સરપંચનાં જમાઈ જમવા ગયા હતા. ભોજન કર્યા બાદ બીલ તેમણે  આપેલા ઓર્ડર કરતા વધુ લાગતા તેમણે કાઉન્ટર ઉપર પૂછ્યું કે વધારે બિલ લાગે છે. તો હોટલનાં કાઉન્ટર પર બેસેલા વ્યક્તિએ તેમના ઉપર આરોપ લગાડયો હતો કે તમે દારૂ પીને આવ્યા છો. જે બિલ થાય છે તે ચૂકવો. યુવકે ના પાડતા તેઓ તેમજ સ્ટાફનાં માણસો સાથે મળીને એક રૂમમાં પૂરીને જીવલેણ માર માર્યો હતો અને ધમકી પણ આપી હતી. રાત્રે ઘણું મોડું થઈ ગયું હોવાથી તેનાં મિત્રો તેને ઘર મૂકી આવ્યા હતા.

બીજે દિવસે કબીલપોરનાં યુવાનો એકત્ર થઈ હોટલ ઉપર આવીને શાંતિથી ચર્ચા કરવાની વાત કરી ત્યારે માલિકોએ ઉશ્કેરીભર્યું વાતાવરણ ઉભું કર્યું હતું અને પોતાના જ માણસ પાસે ટેબલ તોડાવી નાખ્યું તેમજ કિચનમાંથી સળિયો ચીપિયો જેવા હથિયારો લઈ યુવાનોને ડર બતાવવાની કોશિશ કરી જેથી યુવાનો ભડકીને સામનો કરવાની તૈયારી બતાવતા બન્ને તરફ તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતુ.

ઘટના સ્થળે સમય સૂચકતા સાથે પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. યુવાનોની જીદ હતી કે જેમણે માર્યા છે તે બહાર આવીને માફી માંગે અને બીજી વખત આ પ્રકારનું કૃત્ય નહીં થાય તેની બાંયધરી આપે. પણ માલિકો આ બાબતે તૈયાર ન હતાં. એટલે પોલિસે હસ્તક્ષેપ કરી યુવાનોને પોલીસ સ્ટેશને બોલાવ્યા અને પોલીસ સ્ટેશને બનાવ બન્યો તે દિવસે ફરિયાદ આપવી જોઈતી હતી. હોટલ માલિકને પોલીસ સ્ટેશન બોલાવી બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પણ યુવાનોમાં આક્રોશ હજી શમ્યો નથી તેવું વાતાવરણ દેખાઈ આવ્યું છે. આ મામલો ફરી ઉચકાય તેવી પરિસ્થિતિ સંજોગો જોતા લાગે છે.

પોલીસનું શંકાસ્પદ વલણ
ન્યુ સરોવર હોટલ ઉપર કાલનો કિસ્સો પ્રથમ નથી. આ માલિકોની દાદાગીરીનાં શિકાર ઘણા યુવાનો બન્યા છે. કોઈક યુવાનો સાથે મળી હોટલમાં તોડ ફોડ કરી છે. તો કાલે સમાધાન કરવા ગયેલા યુવકો પર હુમલો કરવાની દહેશત ઊભી કરી છે.