11 May 2019

નવસારીમાં જાતિ-આવકના દાખલા મેળવવા માટે સવારથી કતારો, નંબર નહીં લાગે તો દિવસ નકામો


નવસારીમાં કાલીયાવાડી ખાતે આવેલી વિવિધ કચેરીઓમાં હાલ આવક અને જાતિના દાખલા માટે આવનારા લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હોવાનું વિગતો મળી છે. તેમાં સૌથી વધુ દયનીય હાલત વિધવા પેન્શનના દાખલા માટે આવનાર વૃદ્ધોની થઇ રહી છે. વહેલી સવારથી જ લોકો દાખલા કઢાવવા માટે લાઈન લગાવવી પડતી હોય સરકારે આ માટે અન્ય વિકલ્પ શોધે તેવી લોકમાગ ઉઠી છે.

નવસારીના કાલીયાવાડી સ્થિત નવસારી શહેર, ગ્રામ્ય અને જલાલપોર તાલુકા મામલતદારની કચેરી આવેલી છે. જેમાં સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે જાતિ-આવક અને આગળ અભ્યાસ માટે વિવિધ દાખલાની જરૂર પડતી હોય લોકો દાખલા કઢા‌વવા આવતા હોય છે. હાલમાં સરકારની માં કાર્ડ, આયુષ્માન ભારત, વિધવા પેન્શન, ઉચ્ચ અભ્યાસ અર્થે જાતિ અને આવકના દાખલાની જરૂરિયાત હોય લોકો વહેલી સવારથી જ દાખલા માટે લાઈનમાં ઉભા રહે છે. તેમને ટોકન નંબર આપવામાં આવે છે અહી પરિસ્થિતિ એવી છે કે એક દાખલો કાઢવા માટે જનસેવા કેન્દ્રમાં બે વાર ફોટા પડાવવાના હોય છે, એક ઇસમ આજે એક ફોટો પડાવે અને બીજો ફોટો પડાડવા બીજા દિવસે આવવું પડે છે.

જો તે દિવસે તેનાથી વહેલા ન અવાય અને ટોકન ન મળે તો એને ત્રીજા દિવસે આવવું પડે છે, જેથી કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી દયનીય હાલત જલાલપોર તાલુકાના લોકોની થાય છે. નવસારી આવવા માટે વહેલુ ઉઠવું પડે છે ઘરનુ કામ પૂરું કરીને આવવું પડે છે અને નંબર ન લાગે તો એ દિવસ નકામો રહેવાને કારણે પ્રશાસન આ બાબતે અન્ય વિકલ્પ શોધે તેવું લોકો જણાવી રહ્યા હતા.

એક દિવસમાં 250 ટોકન અપાય છે
વહેલી સવારથી લોકો આવીને લાઈન લગાવતા હોય છે અને કર્મચારીઓ દ્વારા તેમને ટોકન આપવામાં આવે છે. 500થી વધુ લોકો લાઈનમાં હોય તો પણ 250 જેટલા લોકોને ટોકન મળે અને બીજાને ઘરે પરત થવું પડે છે. કચેરીની મુલાકાત માટે હજારો લોકો આવતા હોય છે. જેમાં દિવ્યાંગો કે વૃદ્ધો માટે અલગ લાઈનની સુવિધા નથી.

આખો દિવસ નીકળી જાય છે
હાલમાં સરકારની બધી સુવિધા ઓનલાઈન થઇ ત્યારે દાખલા માટેની જરૂરી સુવિધા ગ્રામ પંચાયતમાં મળી જાય તેવું આયોજન સરકારે કરવું જોઈએ. અમારે ઘણા દૂરથી સવારે ખાધા-પીધા વગર આવવું પડે છે. અહીં આખો દિવસ નીકળી જાય છે. એક દાખલો મેળવવા માટે 4 દિવસ પણ થઇ જાય છે. - એક વિધવા મહિલા, મરોલી વિસ્તાર

રોજ 400 દાખલાના કામ છતાં સાવ લાલિયાવાડી
શહેરના જનસેવા કેન્દ્રમાં માત્ર 4 કર્મચારીઓ જ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે સામે દર રોજ 400થી વધુ જાતિ-આવકના દાખલા બનાવવાની કામગીરી કરવામાં આવે છે. કર્મચારી ઓછા હોવાના કારણે કામગીરી મોડે સુધી ચાલે છે. જો કે, મજબૂર લોકો પાસે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સિવાય છૂટકો નથી.

લોકો આર્થિક નુકસાન પણ વેઠવા મજબૂર
સચીનમાં નોકરી કરવા જાઉ છું. મને દાખલા માટે 4 દિવસ થયા છે. કુપન દરરોજ લેવી પડે છે અને અમારા પરિવારમાં બે જણાં નોકરી કરતા હોય આર્થિક નુકસાન સહન કરવું પડે છે. - સંગીતાબેન, વિજલપોર

સરળતાથી દાખલા મળી રહે તે માટે સૂચના આપી છે
લોકોને જાતિ-આવકના દાખલા માટે તકલીફ ન પડે તે માટે મામલતદાર અને ટીડીઓને સૂચના આપવામાં આવી છે. જેથી દાખલા સરળતાથી મળી રહેશે. - ડો. એમ.ડી. મોડીયા, કલેકટર, નવસારી જિલ્લા