18 May 2019

નવસારીમાં ચોરી યથાવત, મિથિલાનગરીમાં બંધ ઘરમાં ચોરી


નવસારી ગ્રામ્ય પોલીસમાં ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. પોલીસની અન્ય સ્થળોએ બંદોબસ્તની કામગીરીને કારણે ચોરટાઓ સક્રિય બન્યા છે ત્યારે છેલ્લા અઠવાડિયામાં 11 જેટલી ચોરીની ઘટના બનવા પામી છે ત્યારે વિરાવળની મીથીલાનગરીમાં ગત શનિવારે ચોરીની ઘટના બન્યા બાદ બુધવારની રાત્રિએ પુન: મીથીલાનગરીમાં આવેલા એક બંધ ઘરને ચોરટાઓએ નિશાન બનાવ્યું હતું. જોકે મકાન માલિક બહારગામ હોય કેટલાની ચોરી થઇ તેની વિગતો મળી ન હતી.

વિરાવળની મીથીલાનગરીમાં રમેશ રાવતાભાઈ સોલંકી (મૂળ ધાનેરા) પરિવાર સાથે ઘર નંબર E24 માં રહે છે અને તેઓ હિરાના ધંધા સાથે સંકળાયેલા છે. તેઓના પરિવારમાં કુલ 8 લોકો રહે છે. હાલ વેકેશનનો સમય હોત તેઓ 5 દિવસ પહેલા તેમના ગામ ગયા હતા અને ઘર બંધ હતું. ગતરોજ સાંજના સુમારે ત્યાંથી એક યુવાન પસાર થતો હતો ત્યારે તેણે જોયું તો ઘરની લાઈટ ચાલુ હતી અને ઘરના દરવાજા ઉપર તાળું મારેલું હતું.

જેથી રમેશભાઈની પડોશમાં રહેતા પાઠક પરિવારને આ બાબત જણાવી હતી. તેઓના ઘરે સોલંકી પરિવાર ઘરની ચાવી આપી ગયા હોય તેનાથી તાળું ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બારણુ અંદરથી બંધ હતું. જેથી ઘરની પાછળના ભાગે જઈને જોતા બાથરૂમના વેન્ટીલેટરની બારીના કાચ તૂટેલા પડેલા જોયા હતા. જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને ઘરનું બારણું ખોલાવ્યું હતું અને અંદર પ્રવેશી જોતા કબાટના તાળા તૂટેલા હતા અને ઘરનો સમાન અસ્ત વ્યસ્ત હતો. આ અંગે સોલંકી પરિવારને જાણ કરી હતી અને તેઓ હજુ આવ્યા ન હોય પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

3 ફૂટની બારીમાંથી ચોરટાઓએ પ્રવેશ કર્યો
ઘરનું બારણું બંધ હોય રાત્રિના ચોરટાઓએ પાછળના ભાગેથી બાથરૂમની 3 ફૂટના વેન્ટીલેટરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરટાઓએ ઘરમાંના કબાટ તોડ્યા હતા. ચોર ચોરી કરવામાં વપરાતા સાધનો પણ મુકી ગયા હતા.

ઘરમાલિક આવશે ત્યારે ફરિયાદ
ગતરોજ ત્યાં રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. અમે પૂછ્યું કે ફરિયાદ નોંધવાની છે ત્યારે પાડોશીએ જણાવ્યું કે ઘરમાલિક ગામથી પરત આવશે ત્યારે ફરિયાદ નોંધાવશે. - ટી.આર.ચૌધરી, પીએસઆઈ, નવસારી ગ્રામ્ય પોલીસ

અઠવાડિયામાં ચોરીની બનેલી ઘટનાઓ
  • મીથીલા નગરી માં આવેલ બે બંધ ઘર ના તાળા તૂટ્યા હતા. 
  • ધારાગીરીમાં આવેલ યોગીરાજ એપાર્ટમેન્ટમાં ચોરી. 
  • કાલીયાવાડી ખાતે જીવનધારા એપાર્ટમેન્ટ માં ત્રણ ફ્લેટમાં ચોરી. 
  • કબીલપોરની જલતરંગ સોસાયટીમાં ત્રણ ઘરોમાં ચોરી. 
  • કબીલપોરની પંચશીલ સોસાયટીમાં બે ઘરોમાં ચોરી.