21 May 2019

125 જર્જરિત ઈમારતને વર્ષોથી માત્ર નોટિસ, ઉતારશો ક્યારે?


નવસારી શહેરની અંદાજે 125 જેટલી જર્જરિત બિલ્ડિંગોને પાલિકાએ નોટીસ આપી છે. જેમાં 11 જેટલી તો અતિજર્જરિત ઠરાવવામાં આવી છે. પાલિકાએ તમામ જર્જરિત બિલ્ડિંગોને ‘ભયરહિત’ કરવા માટે તાકિદ કરી છે.

નવસારી પાલિકા દર વર્ષે ચોમાસા અગાઉ શહેરમાં આવેલી જર્જરિત અને અતિજર્જરિત મકાનોનો સર્વે હાથ ધરે છે. ચાલુ વર્ષે પણ ચોમાસા અગાઉ હાલ ઉનાળામાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હાલ સુધીમાં સર્વેની ઘણી કામગીરી પૂરી થઈ ગઈ છે. પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ ધરેલ સર્વેની કામગીરી દરમિયાન 125 જેટલી ઈમારતો જર્જરિત નજરે પડી છે. આ 125માં 11 જેટલી ઈમારત અતિજર્જરિત જણાઈ છે અને 114 જેટલી સાધારણ જર્જરિત છે. સાધારણ જર્જરિત ઈમારતોમાં બિલ્ડિંગમાં કેટલીક જગ્યાએ રિપેરિંગની આવશ્યકતા હોય એમ માલુમ પડ્યું છે. જ્યારે અતિજર્જરિત ઈમારતમાં વધુ પડતી મરામતની યા ઈમારત ઉતારી પાડવાની જરૂરિયાત રહે છે.

જર્જરિત જણાયેલી તમામ મિલકતોના ધારકોને પાલિકાએ નોટીસ પાઠવી છે. નોટીસમાં ભયજનક ઈમારતને તાકિદે ‘ભયરહિત’કરવાનું જણાવાય છે. આ બાબતની જાણ પાલિકા પોલીસ વિભાગને પણ કરી રહી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલાક કિસ્સામાં પાલિકાને જર્જરિત ઈમારતો ઉતારી પડાવવામાં સફળતા મળી છે. જોકે અનેક બિલ્ડિંગ એવી છે જે 8-10 વર્ષથી જર્જરિત હાલતમાં જ રહી છે. પાલિકા સૂત્રો જણાવે છે કે હજુય જર્જરિત યા અતિજર્જરિત ઈમારતોની ખોજ ચાલુ છે અને જણાય તો ‘ભયરહિત’ કરવા તાકિદ કરાશે.

નવસારીમાં અતિ જર્જરિત ઠરાવાયેલી કેટલીક બિલ્ડિંગો તો 8-10 વર્ષ યા તેથી વધુ સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે. આ મિલકતો 50 વર્ષથી વધુ યા કેટલીક તો 75 વર્ષથી વધુની જૂની ઈમારતો છે. પાલિકા દર વર્ષે આ મિલકતોને નોટિસો આપે છે છતાં ખાસ ફરક પડ્યો નથી. આ માટે એક મહત્ત્વની બાબત એ છે કે વધુ જર્જરિત મિલકતોમાં કેટલીક મિલકતો મુદ્દે મકાનમાલિક અને કબજેદાર વચ્ચે ઝઘડો ચાલે છે. કેટલાકમાં તો લિગલ મેટર બની ગઈ છે તેથી ઉતારી પડાવવામાં સફળતા મળી નથી.

હાલમાં ટાપરવાડમાં ઈમારતનો કેટલોક ભાગ પડ્યો
તાજેતરના વર્ષોમાં નવસારીમાં ઈમારત પડી જવાથી જાનહાનિ થવાની ઘટના બની નથી. જોકે ઈમારતના કેટલોક ભાગ પડવાના બનાવ જરૂર બન્યા છે. 15 દિવસ અગાઉ ટાપરવાડની જર્જરિત મિલકતનો કેટલોક ભાગ પડી ગયો હતો. સદનસીબે જાનહાનિ થઈ ન હતી.

4 ઈમારતો ઉતારી પડાઈ : તમામ અતિજર્જરિત મિલકતોને ભયરહિત કરાવવામાં પાલિકાને સફળતા મળતી નથી એવું પણ નથી. છેલ્લા થોડા સમયમાં ચાર ઈમારતો ઉતારી પડાઈ છે. જેમાં મદ્રેસા સ્કૂલ સામે કૈલાશ ટાવરની નજીક, જલાલપોરનું સ્ટર્લિંગ બિલ્ડિંગ, જલાલપોરના રાજપૂત ફળિયાની એક ઈમારત તથા તરોટા બજાર વિસ્તારની રાણા ઈમારતનો સમાવેશ થાય છે.

ઘણી જર્જરિત ઈમારતો રિપેર થઈ જાય છે
આમ તો વધુ પાલિકા વિસ્તારમાં જર્જરિત ઈમારતો મકાનમાલિક યા કબજેદાર ‘ભયરહિત’ કરે જ છે પરંતુ કેટલાક કિસ્સામાં મકાનમાલિક અને કબજેદાર વચ્ચેના ઝઘડાને કારણે ઈમારતો ભયરહિત કરાતી નથી યા ઉતારી પડાતી નથી. ઘણી જર્જરિત ઈમારતો ‘સાધારણ’ જર્જરિત હોય છે, જે મોટાભાગે રિપેર થઈ જ જાય છે. - નીતિન શાહ, ટીપી અધિકારી, નવસારી પાલિકા

અત્યંત જર્જરિત મકાનો
  • બોદાલીયા બિલ્ડિંગ (ડેપો) 
  • બોદાલીયા બિલ્ડિંગ (ચારપુલ) 
  • નગીન જીવનની ચાલ (આગળનો ભાગ), સ્ટેશન 
  • નગીન જીવનની ચાલ (પાછળનો ભાગ), સ્ટેશન 
  • ગાંધી બિલ્ડિંગ, જલાલપોર 
  • જીતુ નિવાસ જલાલપોર 
  • ફનીબંદા બિલ્ડિંગ પોલીસ ગેટ નજીક 
  • ટાપરવાડ વિસ્તારનું ખાનગી બિલ્ડિંગ 
  • છીબુ મેન્શન પાસે, ગોલવાડ 
  • કાપડિયા બિલ્ડિંગ ગોલવાડ 
  • રાણા બિલ્ડિંગ પાંચહાટડી