28 May 2019

નવસારીમાં મોટી આગ લાગે તો પ્રજા ભગવાન ભરોસે


નવસારી નગરપાલિકા ફાયર સેફટીને અનુલક્ષીને નોટિસનાં નાટકનો દોર ચાલુ કર્યો છે. પણ પોતાના કેટલાક એકમોમાં ફાયર સેફટીનાં નામે શૂન્ય છે. તેમજ ફાયર સ્ટેશનમાં તાલીમ બધ્ધ કર્મચારીની ઉણપ તેમજ સંચાલન કરવા માટે સુપ્રિટેન્ડન્ટની જગ્યા વર્ષોથી ખાલી છે? નવસારીમાં મોટી આગ લાગે તો પ્રજાએ ભગવાન ભરોસે રહેવું પડશે..

નવસારીમાં છેલ્લા બે દિવસથી ફાયર સેફટી લઇ સફાળા જાગેલા તંત્ર નોટિસનો દોર ચાલુ કર્યો છે. પરંતુ પાલિકા દ્વારા સંચાલિત ફાયર સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી ફાયર સુપ્રિટેન્ડન્ટની જગ્યા ખાલી છે. ત્યારે ફાયરનું લાઇસન્સ કોણ આપશે ? એ સવાલ છે.પાલિકા કેટલી જાગૃત છે તેનો નમુનો પ્રજા સમક્ષ છતો થયો છે.

સુરતમાં ટયુશન કલાસમાં આગમાં ૨૨ વિદ્યાર્થીઓ હોમાતા રાજયભરમાં ફાયર સેફટી કેટલી જરુરી તેનો અહેસાસ આમ પ્રજાને થયો છે. નવસારી પાલિકાએ શહેરી વિસ્તારમાં આવતા હોટલ ટયૂશન કલાસીસ તેમજ ઉચી ઇમારતોને નોટિસ આપી છે. પણ આવી અનેક નાટિસો પહેલા પણ અપાય છે. પણ તેનો અમલ થતો નથી નોટીસ આ.હવે ફરી નોટિસના નાટકમાં આવનારાઓને ફાયર સેફટી.નું લાઇસન્સ આપનાર ફાયર સુપ્રિટેન્ડન્ટની જગ્યા જ ખાલી છે.

હાલ નગરપાલિકા એક હંગામી ફાયરમેનને જ આ મોટા પદનો હંગામી કાર્યભાર સોપીને ફાયર સ્ટેશનનો વહીવટ ચલાવે છે અને વધુ આઘાતજનક તો એ છે કે હાલ પાલિકાનાં અગ્નીશામક દળનાં ફરજ બજાવતાં એક પણ કર્મચારી યોગ્ય તાલીમ મળી હોય તેવો કવોલીફાઇડ નથી. કોઇ પણ કર્મચારી સરકારી તાલીમ લઇને કામ કરતો નથી ત્યારે નવસારીમાં મોટી આગ લાગે તો તેના માટે જવાબદાર કોણ ? આ પ્રશ્ન અંત્યત વિકટ બને છે.

પાલિકાની બેદરકારી છાપરે ચઢીને પોકારી રહી છે.પાલિકા જો ખરેખર કામ કરવા માંગતી હોય તો તેઓ દ્વારા સંચાલિત વિવિધ એકમો અને સંસ્થામાં જ ડોકયુ કરે તો ત્યાં પણ ફાયર સેફટીની ઉણપ જોવા મળશે. જેવી કે પાલિકાનાં રંગવિહાર ઓડીટોરીયમની છે. આમ પોતાની જ સંસ્થાઓ ઇમારતોમાં ફાયર સેફટી પ્રત્યે બેદરકાર પાલિકા ખાનગી સંસ્થાઓ પાસે ફાયર સેફટી અંગે નોટીસ આપે એથી મોટી વિટંબણા કઈ હોય શકે?.

રહેણાંક વિસ્તારમાં એપાર્ટમેન્ટસમાં હોટલો
નવસારી નજીક આવેલું ચોવીસી ગામમાં રહેણાંક વિસ્તારના એપાર્ટમેન્ટમાં હોટલો ચાલે છે. તેના ગેસ સિલીન્ડરો રહેવાસીઓ માટે જીવતા બોમ્બ સાબિત થઈ શકે છે.. અનેક વખત ફરિયાદ કરવા છતાં પ્રશાસન રહેવાસીઓની વહારે નથી આવતું. તેમાં મૂળ તો ભ્રષ્ટાચાર છે. ફાયર સેફટીનું લાઇસન્સ વગર તપાસે થોડા નાણાકીય વ્યવહાર કરતા મળી જતું હોવાનું જણાવાય છે. શ્રાીજી રેસીડેન્સીમાં રહેતા ૧૪ જેટલા કુટુંબોનાં જીવતા બોંબ પર રહેતા હોવાનો અહેસાસ પ્રશાસન કરાવી રહ્યું છે.