3 May 2019

ટ્રાફિક જવાને રિક્ષામાં દંડો મારતા કાચ તૂટ્યો, મહિલા મુસાફરને ઈજા


નવસારીના રેલવે સ્ટેશન પાસે ગુરૂવારે સવારે રિક્ષાના પાછળના ભાગે ટ્રાફિક જવાને દંડો મારી દેતા કાચ તૂટી ગયા હતા. આ ઘટનામાં મહિલા મુસાફરને ઇજા પહોંચી હતી. આ મામલે રિક્ષાચાલકો ભેગા થઈ ગયા હતા અને હુમલા બદલ આક્રોશની લાગણી વ્યકત કરી હતી. જોકે પોલીસ દ્વારા આ મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જઇ સારવાર અપાવી હતી. ઇજાગ્રસ્ત મહિલાએ આ અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. આ મામલે સમાધાન થયાની માહિતી પ્રાપ્ત થઈ છે.

નવસારીના રેલવે સ્ટેશન પાસે ટ્રેન આવવાના સમયે ટ્રાફિક જામ થઈ જાય તેવી પરિસ્થિતિમાં રિક્ષાચાલકો પોતાની રિક્ષામાં મુસાફર આવે તે રીતે પ્રયત્નો કરતાં હોય છે. ગુરૂવારે સવારે ટ્રેન આવતા રેલવે સ્ટેશન પાસે મનિષ ઉપાધ્યાય રિક્ષા (નં. GJ-21-V-2758)માં એક મહિલા સહિત ત્રણ મુસાફરોને લઈને હોટલ તુલસી પાસેથી પસાર થતો હતો.

એ સમયે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે આ રિક્ષાચાલકને રિક્ષા ઊભી રાખવાનું જણાવ્યું હતું પરંતુ ટ્રાફિકજામ હોય રિક્ષાચાલકે રિક્ષા આગળ ઊભી રાખું તેમ જણાવીને રિક્ષા આગળ લઈ જતાં અચાનક ટ્રાફિક બ્રિગેડના જવાને છુટ્ટો દંડો મારતા રિક્ષાના પાછળના ભાગે લાગ્યો હતો. જેથી રિક્ષાની પાછળના કાચ તૂટી જતાં આ કાચના ટૂકડા મુસાફર મહિલાના પીઠ પાછળ લાગતા ઇજા થઈ હતી. આ ઘટનાને પગલે રિક્ષાચાલકો ભેગા થઈ પોલીસની આ દંડાવાળીનો વિરોધ કર્યો હતો. 

ટ્રાફિક જવાને પાછળથી છુટ્ટી લાકડી મારી
સ્ટેશનથી રિક્ષામાં બેસીને જતાં હતા ત્યારે ટ્રાફિકના જવાને રિક્ષા ઊભી રાખવા જણાવ્યુ હતું. રિક્ષા ચાલકે આગળ ઊભી રાખવાનું કહી રિક્ષા લઈ જતાં પાછળથી છુટ્ટી લાકડી મારતા તે કાચમાં લાગતા કાચ તૂટી ગયો હતો અને મને ઇજા થતાં સારવાર પણ અપાવી હતી. - શીતલબેન, ઇજાગ્રસ્ત મુસાફર, નવસારી