4 May 2019

કલેક્ટર કચેરીમાં N.A. કારભારમાં ભ્રષ્ટાચાર અંગે વિજિલન્સ તપાસ


નવસારીમાં રેવન્યુ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની બુમરાણ અનેક વખતે સંભળાઈ છે. હાલ જમીન એન.એ. કરવાનાં કારભારમાં કંઈક ભ્રષ્ટાચાર થયાની વાત બહાર આવતાં છેલ્લા બે દિવસથી કલેક્ટર કચેરીએ વિજિલન્સ ટીમે ધામા નાખી તપાસ આરંભી છે.

મળતી માહિતી મુજબ ખેતીની જમીનને બિન ખેતી કરવાની સત્તા થોડા સમય પૂર્વે જિલ્લા પંચાયત પાસે હતી તે સમયે જુદા જુદા 11 વિભાગનાં અભિપ્રાય લેવાતા અને ત્યારબાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કામ મંજૂર કરાતા હતા પણ આ પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો ઉઠતાં હાલ સરકારે એન.એ. કરવાની સત્તા જિલ્લા પંચાયત પાસેથી આંચકી લઈ કલેક્ટરને હવાલે કરવાની સાથે ઓનલાઈન અરજી કરીને અમૂક ચોક્કસ સમય મર્યાદામાં એન.એ. કરવાની પ્રક્રિયા ઉભી કરી છે.

જેનો મૂળ ઉદ્દેશ ભ્રષ્ટાચારને દૂર કરવાનો હતો અને આ પ્રક્રિયાનો આરંભ 1 ફેબ્રુઆરી 2019થી સમગ્ર રાજ્યમાં સુચારુરૂપે ચાલુ કરવામાં આવ્યો છે. આ બાબતની તમામ સત્તા કલેક્ટરનાં હસ્તક છે અને દરેક અરજી દિન 30માં પૂર્ણ કરવાની શરત છે. 30 દિવસમાં અરજીનો નિકાલ કરવામાં મૂળભૂત ઉદ્દેશ ભ્રષ્ટાચાર નાબૂદીનો હતો.

નવસારી કલેક્ટર કચેરીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા છેલ્લા બે દિવસોથી એન.એ.નાં કેસોની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે એન.એ. કરવાની સંપૂર્ણ જવાબદારી નવસારી કલેક્ટરની છે. તેમા કોઈનાં અભિપ્રાયની જરૂર નથી. તેમાં ખેડૂતની સંમતિની પણ જરૂર નથી. ફક્ત ટાઈટલ જોઈને એન.એ. કરવાનું હોય છે. અરજદાર ઓનલાઈન એન.એ. કરવાની અરજી કર્યા બાદ તેમણે કલેક્ટરના હુકમની રાહ જોવાની હોય છે.

વિજિલન્સએ નવસારી આવવાની જરૂર કેમ ઉભી થઈ? તેઓ કેમ અરજદારોને બોલાવી તેમના નિવેદનો લેવા પડયા? આ બાબતે સૂત્રોએ જણાવ્યું છે કે કલેક્ટર ઓફિસમાં એજન્ટોનો રાફડો છે અને સૂત્રોનું માનીએ તો પ્રતિ ચો.મી. 50 થી 70 જેટલો વ્યવહાર કરવો પડતો હોય છે અને જો કદાચ આ વાત સાચી હોય તો રાજ્ય સરકારે તપાસ કરાવવી આવશ્યક બને છે અને વ્યવહારનાં નામે કોને ગજવે રૂપિયા જાય છે? કલેક્ટરનાં નામે બીજા કોઈ વચેટીયાઓ તો મલાઈ નથી ખાતા ને? સરકારી અમલદાર તો સૂત્રધાર નથી ને? ને આવા અનેક પ્રશ્નો લોક મુખે હાલ ચર્ચાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી વિજિલન્સ ટીમ જે તપાસ કરી રહી છે તેના રિપોર્ટમાં આવશે કે પછી? સબ સલામતનાં રીપોર્ટ સાથે ભીનું સંકેલાઈ જશે એ તો આવનારો સમય બતાવશે.

ઉલ્લેખનીય છે કે, હવે એન.એ. પરવાનગીમાં મુશ્કેલી ના પડે તે માટે નિયમ સરળ બનાવાયા છે. આમ થતાં ફાઈલ મંજૂર થતી નથી. એનું મૂળ કારણ વ્યવહાર જ મનાય છે.

અમારી જાણમાં નથી: કલેક્ટરના પી.એ.
આ બાબતે કલેક્ટર કાર્યાલયનાં લોકલ ફોન 02637-244999 પર ફોન કરી પૂછતાં કલેક્ટના પી.એ. એ જણાવ્યું હતું કે આવી કોઈ તપાસ થઈ રહી છે તે અમારી જાણમાં નથી, હું તપાસ કરું કે ખરેખર વિજિલન્સની તપાસ ચાલુ છે કે નહીં પછી હું આપને ફોન કરી જાણ કરીશ.

એક અરજદારે જવાબમાં ભાંડો ફોડી નાખ્યો, વધુ નાણાં ખંખેરાય છે
એક અરજદારે પોતાનું નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે મને વિજિલન્સની ટીમે નિવેદન લેવા બોલાવેલો હતો અને મે મારા જવાબમાં એવું લખાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં એન.એ. કરવાની પ્રક્રિયામાં નવસારીમાં વધુ નાણાં ખંખેરી લેવામાં આવે છે. જો આ અરજદાર સાચો હોય તો ચોક્ક્સ ભ્રષ્ટાચાર નવસારી રેવન્યુ વિભાગમાં ચરમસીમાએ છે.