5 May 2019

આશીર્વાદ સોસાયટીમાં પ્લોટ નં. 2થી 4માં એપાર્ટમેન્ટ બનાવાની હિલચાલનો વિરોધ


નવસારીના સર્કિટ હાઉસ પાસે આવેલી આશિર્વાદ સોસાયટીમાં પ્લોટ નંબર 2થી 4માં આવેલા બંગલાને તોડીને ત્યાં કોમર્શિયલ ઇમારત બાંધવાની વાત ચાલતા આ બાબતે હળપતિ સેવા સંઘ દ્વારા 29મી એપ્રિલે ક્લેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેમાં એપાર્ટમેન્ટ બાંધવામાં આવે તો છાત્રાલયની ગુપ્તતા ઉપર અસર થવાની સંભાવના રહેલી હોવાનું પણ જણાવ્યુ હતું.

નવસારીના લુન્સીકૂઇ રોડ ઉપર હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત છાત્રાલય આવેલું છે. જેમાં 50થી વધુ કન્યાઓ ત્યાં રહી આસપાસમાં આવેલી શાળા-કોલેજોમાં અભ્યાસ કરવા માટે જાય છે. તેની બાજુમાં આશિર્વાદ નામની સોસાયટી આવેલી છે. તેમાં પ્લોટ નં. 2થી 4માં આવેલી જગ્યા ઉપર એપાર્ટમેન્ટ બાંધવાની વાત ચાલતા હળપતિ છાત્રાલયના વહીવટ કર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ક્લેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આશિર્વાદ સોસાયટીમાં આવેલા 2 થી 4માં એપાર્ટમેન્ટ બાંધવાની પરવાનગી આપવામાં ન આવે અને જો પરવાનગી આપવામાં આવશે તો હળપતિ સમાજ સેવા સંઘના છાત્રાલયમાં રહેતી કન્યાઓની પ્રાઈવસી પર સીધી અસર થશે. આ ઉપરાંત અન્ય ન્યૂસન્સ પણ ઉભુ થશે, જેથી આશીર્વાદ સોસાયટીમાં એપાર્ટમેન્ટ બાંધવા માટે પરવાનગી ન આપવા અનુરોધ કરાયો હતો.

સોસાયટીના લોકોનો પણ વિરોધ
સોસાયટીમાં રહેતા લોકો દ્વારા પણ પ્લોટ નંબર 2થી 4માં થનારા એપાર્ટમેન્ટના બાંધકામ અંગે વિરોધ કરીને ચીફ ઓફિસરને જણાવ્યું કે સદર સોસાયટીમાં 18 પ્લોટ છે.

પાલિકાને ફરિયાદ
આ જગ્યાએ એપાર્ટમેન્ટ નહીં પણ બંગલા અથવા અલગ મકાન બને તેવી માંગ છે. વિસ્તાર શાંત હોય કોમર્શિયલ બાંધકામ થાય તો સોસાયટીનો હેતુ ફેરભંગ થતો હોય પાલિકામાં ફરિયાદ કરી છે. - સ્થાનિક રહીશ