7 May 2019

વિજલપોરમાં જૂથ અથડામણ, 25 ટીયર ગેસના સેલ છોડાયા


નવસારીની અડીને આવેલા વિજલપોરમાં મોડી સાંજે બે સમાજના જૂથ વચ્ચે અથડામણ થતાં તંગદિલીભર્યું વતાવરણ સર્જાયું છે. પોલીસે ઘટના સ્થળે ધસી જઇ રોડ ઉપર ઉતરી આવેલા હજારો લોકોને દૂર કરવા 25 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. બે બાઇક વચ્ચે ટક્કર થયા બાદ બંને જૂથ વચ્ચે મારામારી અને પછી પથ્થર મારો થતા વાતાવરણ બગડ્યું હતું,

જેને પગલે દલિત સમાજ અને રાજપૂત સમાજના લોકો સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી હતી જ્યારે એક પોલીસ જવાન પણ ઘાયલ થયાની માહિતી મળી છે. સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો વિજલપોરમાં ખડકી દેવાયો. પોલીસની ગાડી પર પથ્થરમારો થયો હતો.

આંબેડકર નગર વિસ્તરમાં રહેતા યુવાન અને શિવાજી નગરમાં રહેતા યુવાનની બાઇક વચ્ચે સાંજે ટક્કર લાગતા મામલો બીચકયો હતો. એ બાદ બંને જૂથના યુવાનો સામસામે આવી જતા મારામારી થઈ હતી. અચાનક જ બંને જૂથના યુવાનો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. વાત વાયુવેગે પ્રસરી જતા ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વાતાવરણ તંગદિલી ભર્યું બની ગયું હતું.

પોલીસની હાજરીમાં પણ લોકોએ એકબીજા ઉપર પથ્થર ફેકવાનું ચાલુ રાખ્યું હતું. આથી પોલીસે લોકો ટોળાને કાબુમાં લેવા માટે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. 25 ટીયર ગેસના સેલ પોલીસે છોડતા અને લાઠી ચાર્જ કર્યા બાદ પરિસ્થિતિ કાબુમાં આવી હતી . 150થી વધુ પોલીસ જવાનો હાલ વિજલપોરના આંબેડકર નગર,સંભાજી નગર,શિવાજી નગરમાં પેટ્રોલીંગ કરી રહ્યા છે. પોલીસે લોકોને શાંત રહેવા પણ અપીલ કરી હતી.

અંબાજીનગરથી વિઠલમંદિર સુધી પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત લોકોએ શિવાજી મહારાજના હોર્ડિંગ બેનરો પણ તોડી નાખ્યા હતા. જેને લઈ સ્થિતિ વધુ બગડી હતી.