9 May 2019

બસમાં સગીરાને અડપલા કરનાર કંડકટર પકડાયો


નવસારી એસટી ડેપોથી સુલતાનપુર તરફ જઈ રહેલી બસમાં એકલી વિદ્યાર્થિની (સગીરા) સાથે બસના કંડકટરે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ કેસમાં પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લીધો છે.

પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ નવસારી એસટી ડેપોમાં 4થી મે એ સવારે 11.30 કલાકે નવસારી-સુલતાનપુર બસ ઉપાડવામાં આવી હતી. બસમાં એકમાત્ર સગીરા વિદ્યાર્થિની બેઠી હતી. જે તેના ઘરે જવા નીકળી હતી. નવસારી ડેપોથી એરૂ ચાર રસ્તા વચ્ચે આવતા ટાટા હોલના બસસ્ટોપ પહેલા જ બસમાં એકલી બેઠેલી સગીરા સાથે કંડકટરે અડપલા કર્યા હતા, જેને લઈ સગીરા ગભરાઈ ગઈ હતી. જોકે ટાટા હોલ પાસે બસ ઉભી રહેતા અન્ય ચાર જેટલા મુસાફર બસમાં બેસતા સગીરાએ રાહતનો શ્વાસ લીધો હતો.

બાદમાં સગીરા તેના ઘરે પહોંચવાના બદલે અડધે જ બસમાંથી ઉતરી ગઈ હતી. એ બાદ ઘરે પહોંચી તમામ આપવિતી તેની માતાને કહેતા તે રડી પડી હતી. માતાપિતાએ પોતાની દીકરીની વાત સાંભળી અન્ય બાળાઓ સાથે આવુ કૃત્ય ન થાય તે માટે આજે નવસારી ટાઉન પોલીસ મથકમાં કંડકટર વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પોકસો એકટ હેઠળ નવસારી ડેપોના કંડકટર જયંતિ ટંડેલ (ઉ.વ. 57)ની ધરપકડ કરી હતી.

આરોપીએ છેડતીની કબૂલાત કરતા ધરપકડ કરી છે
કંડકટરની હરકત અંગે વાલીઓની હાજરીમાં સગીરાએ ફરિયાદ આપી છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીએ સગીરાની છેડતી કર્યાનું કબૂલાત કરતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. - જી.આર.રબારી, પીઆઈ, ટાઉન પોલીસ