12 May 2019

નવસારીમાં ‌B.Sc.માં એડમિશન માટે વિદ્યાર્થીઓને ફાંફાં


નવસારીમાં ચાલુ વર્ષે એફવાય બીએસસીમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરસેવો પાડવો પડે તેવી શક્યતા છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા 5 વર્ષની સરખામણીએ ભલે પરિણામ નીચુ રહ્યું છે પરંતુ નવસારી કેન્દ્રનું સૌથી ઉંચુ 78.88 ટકા પરિણામ રહેતા એફવાય બીએસસીમાં એડમિશનની ટકાવારી પણ ઉંચી જવાની શક્યતા છે. શહેરની જાણતી સરકારી કોલેજમાં અંગ્રેજી માધ્યમ સાથે 520 બેઠકો છે ત્યારે તેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા 1419 છે. એ જોતાં 500થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી કોલેજ છોડી ખાનગી કોલેજોમાં અન્ય ફેકલ્ટી તરફ પણ નજરો દોડાવવી પડશે.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યા બાદ વાલી તથા વિદ્યાર્થીઓ હવે કોલેજમાં બીએસસી માટે એડમિશન મેળવવા આતુરતાથી રાહ જોવા લાગ્યા છે પરંતુ આ વખતે વિદ્યાર્થીઓને એડમિશન માટે ઘણી મહેનત કરવી પડે તેમ છે. જો વહેલી તકે ફોર્મ ભરીને કોલેજમાં એડમિશન માટે ફોર્મ જમા કરવામાં પાછળ પડશે તો એડમિશનની શક્યતા ઘટી જાય તેમ છે અને સરકારી કોલેજ છોડીને અન્ય ખાનગી કોલેજ તરફ દોટ મુકવી પડે તેમ છે. નવસારી જિલ્લાનું ધો. 12 વિજ્ઞાનપ્રવાહનું 67.11 ટકા પરિણામ આવ્યું છે. જે છેલ્લા 5 વર્ષના ઈતિહાસમાં સૌથી નીચુ રહ્યું છે.

જોકે તેનાથી વિપરીત જિલ્લાના ચાર કેન્દ્રમાં નવસારી કેન્દ્રનું સૌથી ઉંચુ 78.88 ટકા પરિણામ રહ્યું હતું. નવસારી કેન્દ્રમાં 1811 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેની સામે 1799 પરીક્ષામાં બેસતા 1419 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેથી શહેરમાં બી.પી.બારીયા સાયન્સ કોલેજમાં આ વખતે પણ એડમિશન મેળવવા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવવી પડશે. બારીયા સાયન્સ કોલેજની એફવાય બીએસસીની બેઠક 520 છે. એ જોતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે. બેઠકના પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી તેમણે એડમિશન માટે અન્ય ફેકલ્ટી તરફ પણ નજર દોડાવવી પડશે. નહીંતર સરકારી કોલેજમાં એડમિશન માટે મુશ્કેલી સર્જાવાનાં એંધાણ છે. બારીયા કોલેજમાં એફવાય બીએસસીમાં એડમિશન પ્રક્રિયા 14મી મેથી શરૂ થશે.

બખડજંતરને કારણે ગત વર્ષે વિદ્યાર્થીઓ અટવાયા હતા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ગત વર્ષે એડમિશન પ્રક્રિયામાં મોડું કરતાં તેનું નુકસાન વિદ્યાર્થીઓએ વેઠવું પડ્યુ હતું. ગ્રાંટેડ કોલેજ બી.પી. બારીયા સાયન્સ કોલેજમાં એડમિશન પ્રક્રિયા મોડેથી થઈ હતી અને તે પછી પણ મોડે મોડે સુધી તે પ્રક્રિયા ચાલુ જ રહી હતી. શરૂઆતમાં વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળતા ખાનગી કોલેજને તરફ જવાનો વારો આવ્યો હતો અને એડમિશન લેવાની ફરજ પડી હતી.

યુનિ.ના નિયમો અને સુપ્રીમની ગાઇડ લાઈન પ્રમાણે એડમિશન આપવામાં આવશે
બંધારણની જોગવાઈ તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે માઇનોરિટી સંસ્થાને જે અધિકાર આપવામાં આવ્યો છે. તે આધારે યુનિ.ના નિયમોને આધિન વિદ્યાર્થીઓને એડમિશન આપવામા આવશે તે અંગેની જાણકારી યુનિ.ને લેખિતમાં આપી દેવામાં આવી છે. - કેરસી દેબુ, ટ્રસ્ટી, બી.પી. બારીયા કોલેજ નવસારી