31 May 2019

તીઘરામાં સરકારી આવાસ જમીનદોસ્ત થવાના આરે


નવસારી શહેરને અડીને આવેલા તીઘરા ગામમાં સરકારી આવાસની સ્થિતિ બદતર બની ગઈ છે. વર્ષો પહેલા બનાવાયેલા સરકારી આવાસો 'પડુ પડુ'ની સ્થિતિમાં છે. તેમાંય 15 મકાનોની સ્થિતિ અતિભયંકર થઈ ચૂકી છે. જિલ્લામાં આવા 500થી વધુ સરકારી આવાસો છે ત્યારે સરકાર દ્વારા આવા આવાસમાં રહેતા લોકો માટે નવા આવાસ ફાળવી આપશે કે કેમ ? તેવો સવાલ ઉભો થયો છે. હાલ તીઘરા ગામના લોકોએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ચોમાસુ પહેલા કાર્યવાહી કરી તેમના માટે આવાસો બનાવી આપવામાં આવે કે રિપેરિંગ હાથ ધરાય તેવી માગ ઉઠી છે. જર્જરિત થયેલા મકાનોમાં રહેતા લોકો માટે જીવનું જોખમ ઉભુ થયું છે.

નવસારી જિલ્લામાં સરકારી આવાસોના રિપેરિંગ કામ માટે જરૂરી કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. છેલ્લા ઘણાં લાંબા સમયથી નવસારી જિલ્લામાં સરકારી આવાસો બનાવવાના નામે વાયદાઓ થઈ રહ્યા છે પરંતુ તે અંગે ચોક્કસ કામગીરીનો અભાવ વર્તાય રહ્યો છે. તેનું ઉત્તમ ઉદાહરણ નવસારી શહેરને અડીને આવેલુ તીઘરા ગામ છે. તીઘરા ગામમાં 100થી વધુ હળપતિ-આદિવાસી લોકોના ઘર આવેલા છે. જે પૈકી 15થી વધુ આવાસો જર્જરિત હાલતમાં છે. જો આવાસોની કામગીરી હાથ નહીં ધરાય તો આગામી ચોમાસુ દરમિયાન હોનારત થવાની શક્યતા છે.

તીઘરાવાસીઓએ લેખિત રજૂઆત કરી નવા આવાસ આપવા અનુરોધ
તીઘરામાં આગામી ચોમાસા દરમિયાન કોઈ આવાસ જમીનદોસ્ત થાય તેવી સ્થિતિને પગલે લોકો ઘરમાં રહેતા પણ ડરી રહ્યા છે અને તેથી જ તાત્કાલિક ધોરણે આવાસ બનાવી આપવા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

40 ટકાથી વધુ આવાસો જર્જરિત બન્યા છે
નવસારી તાલુકામાં 61થી વધુ ગામો આવેલા છે. જેમાં વર્ષ 2009 પહેલા સરકારની યોજના હેઠળ આવાસો બનાવ્યા છે અને જેમાં 40 ટકાથી વધુ આવાસો યોગ્ય રિપેરીંગના અભાવે જર્જરિત બન્યા છે. જેમાં નવસારીના ચોવીસી ગામમાં આવેલા 5 જેટલા વિસ્તારોમાં 200થી વધુ ઘરો જર્જરિત અવસ્થામાં છે. ગમે ત્યારે તૂટી પડશે તેવી સંભાવના અને ડર લોકોને સતાવી રહ્યો છે.

આવાસ માટે ફોર્મ ભર્યા પણ મંજૂરી મળતી નથી
હું પણ મારા પિતાનાં નામે આવેલ આવાસમાં જ રહું છું અને આવાસ રીપેરીંગ કરાવતો રહું છું. તલાટી સાથે આખા ગામમાં ફરીને સર્વે કરીને પ્રધાનમંત્રી આવાસ માટે 63 જેટલા ફોર્મ ભર્યા છે. અગાઉ પણ સરદાર આવાસ, હળપતિ ગૃહ નિર્માણ બોર્ડમાં આવાસ માટે ફોર્મ ભરી અરજી કરી પણ ઉપરથી જવાબ મળતો નથી. યોગ્ય સ્તરે રજૂઆત કરી છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી આવાસનું કામ ન થતા લોકોનાં આવાસના કામો અટવાયેલા છે. - ઉમેશ રાઠોડ, સરપંચ, તીઘરા

માહિતી તલાટી પાસે માંગી છે..
નવસારી તાલુકામાં જર્જરિત મકાનો કેટલા છે તેની માહિતી માટે તલાટી પાસે માંગી છે. મારા અંદાજ મુજબ 200થી વધુ જર્જરિત આવાસની સંખ્યા હોવાની સંભાવના છે. - કમલેશભાઈ, ઓએસ, નવસારી તા.પં.